મુંબઇઃ  મહારાષ્ટ્રના ગૃહનિર્માણ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે દાવો કર્યો છે કે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ઘરાશાયી થતા 12 લોકોના મોત થયા છે. જ્યારે એક અધિકારીએ કહ્યું 40થી 50 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ છે.


ઇમારત પડતાં ભાગદોડ મચી ગઇ હતી, દટાયેલા લોકોના બચાવ કાર્ય માટે ફાયરબ્રિગેડની ટીમ અને એનડીઆરએફની ટીમો કામે લાગી ગઇ છે. એનડીઆરએફ અનુસાર સાંકડી ગલી હોવાના કારણે બચાવ કાર્યમાં તકલીફ પડી રહી છે.

વૃહત મુંબઇ કોર્પોરેશન (બીએમસી) અનુસાર, આજે બપોરે 11.48 કલાકે ડોંગરીની ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ ધરાશાયી થયો હતો, આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ અને ખુબ જુની છે.


થોડાક સમસ પહેલા 2જી જુલાઇએ જ ભારે વરસાદના કારણે મુંબઇના મલાડ વિસ્તારમાં એક ઇમારતની દિવાલ ધરાશાયી થઇ હતી, જેમાં 13 લોકોના મોત થયા હતા. હવે આ બીજી મોટી દૂર્ઘટના સામે આવી છે.