ભારે ધુમ્મસ અને કાતિલ ઠંડીના વાતાવરણમાં ટ્રેન મોડી પડવી અથવા તો મુસાફરોની ટ્રેન છૂટી જાય તે સામાન્ય સમસ્યા છે. આવી સ્થિતિમાં, મુસાફરોના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે તેમની ટિકિટનું શું થશે? શું તેમને રિફંડ મળશે કે તેઓ એ જ ટિકિટનો ઉપયોગ કરીને બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકશે? જો તમે આવી પરિસ્થિતિમાં હોય તો કોઈપણ ઉતાવળમાં નિર્ણય લેતા પહેલા આ રેલવે નિયમોથી પરિચિત થવું જરુરી છે કારણ કે એક નાની ભૂલ પણ તમને ભારે દંડ અને કાનૂની મુશ્કેલીમાં મુકી શકે છે.
જો તમારી પાસે જનરલ ટિકિટ હોય તો શું તમે બીજી ટ્રેન પકડી શકો?
જો તમારી પાસે જનરલ ટિકિટ હોય તો થોડી રાહત છે. તમે એ જ કેટેગરીમાં બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. જો ટિકિટની માન્યતા સમાપ્ત ન થઈ હોય જે સામાન્ય રીતે ત્રણ કલાક અથવા પહેલી ઉપલબ્ધ ટ્રેન આવે ત્યાં સુધી હોય છે. જો કે, જો તમે અલગ કેટેગરીમાં મુસાફરી કરો છો, તો તમને દંડ થઈ શકે છે.
કઈ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી ?
મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી. જો તમે આ ટ્રેનોમાં જનરલ ટિકિટ સાથે મુસાફરી કરો છો તો TTE તમને ટિકિટ વગરનો મુસાફર ગણી શકે છે અને ભારે દંડ ફટકારી શકે છે.
જો તમે રિઝર્વ્ડ ટિકિટવાળી ટ્રેન ચૂકી જાઓ છો તો શું કરવું ?
મુસાફરો માટે સૌથી સામાન્ય મૂંઝવણ એ છે કે જો તમે કન્ફર્મ સીટવાળી ટ્રેન ચૂકી જાઓ છો તો શું કરવું. જો તમારી પાસે રિઝર્વ્ડ ટિકિટ હોય અને ટ્રેન ચૂકી જાઓ છો, તો તમે તે જ ટિકિટનો ઉપયોગ કરીને બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે આવું કરતા ચેકિંગ દરમિયાન પકડાઈ જાઓ છો તો TTE તમને ટિકિટ વગરનો મુસાફર ગણી શકે છે અને તમારી પાસેથી ટિકિટની સંપૂર્ણ કિંમત અથવા તેથી વધુ દંડ વસૂલ કરી શકે છે.
જો તમે દંડ ન ભરો તો શું થઈ શકે છે ?
રેલ્વેના નિયમો અનુસાર, દંડ ભરવામાં નિષ્ફળતા કાનૂની કાર્યવાહીમાં પરિણમી શકે છે. કેટલાક કિસ્સાઓમાં કેદ પણ થઈ શકે છે. જો મુસાફર દલીલ કરે છે અથવા દંડ ભરવાનો ઇનકાર કરે છે, તો તેમને રેલ્વે પોલીસ (RPF) ને સોંપી શકાય છે. જો તમે તમારી રિઝર્વ્ડ ટ્રેન ચૂકી ગયા છો, તો શ્રેષ્ઠ અને સલામત કાર્યવાહી એ છે કે નવી ટ્રેન માટે નવી ટિકિટ બુક કરાવવી અથવા રિફંડ નિયમો અનુસાર સમયસર રિફંડ માટે અરજી કરવી.
શું તમને ટ્રેન ચૂકી જવા પર રિફંડ મળશે ?
જો તમે તમારી ટ્રેન ચૂકી ગયા હોય તો તમારે તાત્કાલિક TDR (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) ફાઇલ કરવી જોઈએ. સામાન્ય રીતે ટ્રેન ચૂકી ગયા પછી રિફંડ મેળવવું મુશ્કેલ હોય છે, પરંતુ જો ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી હોય અને તમે મુસાફરી ન કરી હોય તો તમે સંપૂર્ણ રિફંડનો દાવો કરી શકો છો.
શું તમે આગલા સ્ટેશનથી ટ્રેન પકડી શકો છો ?
એક ખાસ નિયમ એવો પણ છે કે જો તમે તમારી ટ્રેન ચૂકી ગયા હો તો TTE આગામી બે સ્ટેશન માટે તમારી સીટ બીજા કોઈને ફાળવી શકશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે ટેક્સી દ્વારા આગામી મુખ્ય સ્ટેશન પર ટ્રેન પકડો છો તો તમારી સીટ રિઝર્વ કરવામાં આવશે.