Ghar Ghar Jodo Campaign: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. આ સામાન્ય ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગેલા છે. આ ક્રમમાં ભાજપ વર્ષ 2019માં જીતેલી સીટોનો રેકોર્ડ તોડવા માંગે છે. આ માટે પાર્ટી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન હેઠળ ભાજપ દલિતો અને અનુસૂચિત જાતિઓ પર ફોકસ કરશે.
દેશના 17 ટકા મતદારો આ જાતિમાંથી આવે છે અને પાર્ટીએ હવે તેના પર નજર ઠેરવી છે. પાર્ટી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ અભિયાન ચલાવશે, જે અંતર્ગત ભાજપના નેતાઓ દલિત વસાહતોમાં પ્રવાસ કરશે. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ છે અને 5મી મેના રોજ બુદ્ધ જયંતિ છે. આ દરમિયાન કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટી ડોર ટુ ડોર જોડો અભિયાન ચલાવશે. આ અભિયાન થકી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા દલિત પરિવારોને યોજનાઓનો લાભ મળશે. આ અભિયાનનું સમાપન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે અને આ દરમિયાન એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં દલિત સમુદાયને સંબોધિત કરી શકે છે.
વર્ષ 2019માં કેટલા દલિતોએ ભાજપને મત આપ્યા?
દેશમાં લોકસભામાં 131 અનામત બેઠકો છે. જેમાં 84 અનુસૂચિત જાતિ માટે અને 47 અનુસૂચિત જનજાતિ માટે છે. એક સમયે આ તમામ દલિત બહુમતિ બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો તો ક્યારેક બહુજન સમાજ પાર્ટી કે અન્ય પક્ષોનો પરંતુ 2019માં નરેન્દ્ર મોદીના નામે એવું તે વાવાઝોડું ફૂંકાયું કે 2014નો રેકોર્ડ તોડીને ભાજપે ભવ્યાતિભવ્ય જીત મેળવતા 77 અનામત બેઠકો કબજે કરી લીધી હતી. તે પણ ત્યારે જ્યારે વિપક્ષે ભાજપ પર દલિત વિરોધી પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો.
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ એટલે કે CSDS મુજબ વર્ષ 2014માં કોંગ્રેસને 18.5 ટકા મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ પોતાને દલિતોની સૌથી મોટી પાર્ટી ગણાવતી બહુજન સમાજ પાર્ટીને 13.9 ટકા મત મળ્યા હતાં. જ્યારે ભાજપને કુલ મતોના લગભગ 24 ટકા મત મળ્યા હતા.
બીજી તરફ CSDS લોકનીતિના સર્વેની વાત કરીએ તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પછાત જાતિના મતદાનની ટકાવારીમાં ફાયદો થયો છે. જે 24 ટકાથી વધીને 42 ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત 2014થી 2019 વચ્ચે દલિત વોટ 24 ટકાથી વધીને 34 ટકા થઈ ગયા.