Mizoram Railway Bridge Collapse: મિઝોરમમાં નિર્માણાધીન રેલવેનો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હતા.  મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ બ્રિજ તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં 17 શ્રમિકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 શ્રમિકો દટાયા હોવાની શક્યતા છે. આ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.






મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.કુરુંગ નદી પર બૈરાબીને સૈરાંગ સાથે જોડતો રેલ્વે પુલ નિર્માણાધીન હતો. અકસ્માત સ્થળ આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. આ શ્રમિકો મિઝોરમના રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બ્રિજ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે.










વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓના ટ્વિટર પેજ પર કહ્યું હતું કે , 'હું તે લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.