Narendra Modi 3.0 Cabinet: કેન્દ્રમાં ફરી એકવાર એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે. 9મી જૂને એટલે કે આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે.  તેમની સાથે મંત્રીમંડળમાં અન્ય કોણ હશે તે અંગે ચિત્ર કંઈક અંશે સ્પષ્ટ થઈ રહ્યું છે. ઘણા સંભવિત નેતાઓના નામ સામે આવ્યા છે જેઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. ચાલો જાણીએ કે મોદી 3.0 કેબિનેટમાં મહારાષ્ટ્રના કયા નેતાઓને સ્થાન મળી શકે છે.


રવિવારે નરેન્દ્ર મોદીની સાથે લગભગ 52 થી 55 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં 19 થી 22 કેબિનેટ મંત્રીઓ અને લગભગ 33 થી 35 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો આ વખતે મોદી કેબિનેટમાં નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને નારાયણ રાણેને સ્થાન મળી શકે છે.  શિવસેનાના પ્રતાપ રાવ જાધવ અને એનસીપીના પ્રફુલ પટેલને પણ કેન્દ્રમાં તક મળી શકે છે. 


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ, નેશનલ સિક્યૂરિટી ગાર્ડ (NSG) કમાન્ડો, ડ્રૉન અને 'સ્નાઈપર્સ' તૈનાત કરવામાં આવી છે. વિદેશી મહેમાનો રાજધાનીની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય હૉટલમાં રોકાશે. જેના કારણે હૉટલોને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવી છે.


પોલીસ અને એનએસજી કમાન્ડો રહેશે તૈનાત 
સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસના અધિકારીઓએ સમારોહને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજનાઓ બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટર અને નવી દિલ્હી જિલ્લામાં ઘણી બેઠકો યોજી હતી. શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાનું છે, તેથી સંકુલની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે. દિલ્હી પોલીસના જવાનોને 'આઉટર સર્કલ' પર તૈનાત કરવામાં આવશે, ત્યારબાદ અર્ધલશ્કરી દળો અને રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા કર્મચારીઓને 'ઇનર સર્કલ'માં તૈનાત કરવામાં આવશે.


જી-20 શિખર સંમેલનની જેવી ગોઠવાશે વ્યવસ્થા 
અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ અને દિલ્હી સશસ્ત્ર પોલીસ (ડીએપી) કર્મચારીઓ સહિત લગભગ 2,500 પોલીસ કર્મચારીઓને સ્થળની આસપાસ તૈનાત કરવાની યોજના છે, અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મહાનુભાવો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગો પર 'સ્નાઈપર્સ' અને સશસ્ત્ર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે અને નવી દિલ્હી જિલ્લામાં મહત્વપૂર્ણ સ્થળોએ ડ્રોન તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આયોજિત G-20 સમિટ દરમિયાન જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે જ રીતે સુરક્ષા કોર્ડન રહેવાની શક્યતા છે.