Online Gaming Bill: કેન્દ્રની મોદી સરકારે આજે (મંગળવારે) રૂપિયા સાથે સંબંધિત ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ હેઠળ ઓનલાઈન સટ્ટાબાજી એક સજાપાત્ર ગુનો હશે અને પૈસા સંબંધિત ગેમિંગ ટ્રાન્જેક્શન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.
મોદી સરકાર બુધવારે લોકસભામાં આ બિલ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ હેઠળ કોઈપણ બેન્ક કે નાણાકીય સંસ્થાને ઓનલાઈન મની ગેમ્સમાં પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, રિયલ મની ગેમિંગની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે સરકાર ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ બેઝ્ડ નોન મોનેટરી ગેમ્સને પ્રોત્સાહન આપશે.
ઉદ્દેશ્ય શું છે?
દેશભરમાં ડિજિટલ સટ્ટાબાજી (online gambling) ને નિયંત્રિત કરવી
સટ્ટાબાજી સંબંધિત એડિક્શન અને છેતરપિંડી જેવી સમસ્યાઓનો સામનો કરવો
વિવિધ રાજ્યોના જુગાર કાયદાઓ વચ્ચે સંકલન
માહિતી અને ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને કેન્દ્રીય નિયમનકાર બનાવવું
અધિકારીઓને ગેરકાયદેસર અથવા નોંધણી વગરના પ્લેટફોર્મને બ્લોક કરવાની સત્તા આપવી
ઓનલાઈન ગેમિંગ પહેલાથી જ કરવેરાના દાયરામાં છે. મોદી સરકારે તેના છેલ્લા કાર્યકાળ ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર 28 ટકા GST લાગુ કર્યો છે. આ નાણાકીય વર્ષથી તેમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, નાણાકીય વર્ષ 2025થી ઓનલાઈન ગેમ જીત પર 30 ટકા કર લાદવામાં આવ્યો છે.
આ બિલમાં વિદેશી ગેમિંગ ઓપરેટરોને પણ ટેક્સ નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023માં ભારતીય દંડ સંહિતા હેઠળ અનધિકૃત સટ્ટાબાજી માટે 7 વર્ષ સુધીની જેલ અને ભારે દંડની જોગવાઈ અમલમાં આવી.
કેન્દ્ર સરકાર ઓનલાઈન સટ્ટાબાજી અને તેમની સાથે સંકળાયેલ સાઇટ્સ સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. 2022થી ફેબ્રુઆરી 2025દરમિયાન 1400થી વધુ સટ્ટાબાજી અને જુગારની સાઇટ્સ અને એપ્સ બ્લોક કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગેમિંગ સંબંધિત જાહેરાતોમાં નાણાકીય જોખમ અને સંભવિત વ્યસનની ડિસ્ક્લેમર મૂકવાનો નિર્દેશ આપ્યો છે.