Modi New Cabinet: મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.
સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી મુજબ, શપથ લેનારા તમામ મંત્રીઓને ૧૫ ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી નહીં છોડવાનું કહેવામા આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓને કોરોના વાયરસ મહામારીને જોતાં પોતાના મત વિસ્તારમાં જશ્ન નહીં મનાવવા પણ કહેવામાં આવ્યું છે.
જેપી નડ્ડાને મળશે તમામ મંત્રી
સૂત્રોના જણાવ્યા મુજબ ટોચના નેતૃત્વએ તમામ મંત્રીઓને દિલ્હીમાં રહીને પોત-પોતાના મંત્રાલયનું કામ કાજ સમજે અને આગળની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તમામ નવા મંત્રી આજે પાર્ટી મુખ્યાલયમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળશે.
આજે કોણે કોણે કાર્યભાર સંભાળ્યો
- અશ્નિની વૈષ્ણવઃ રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- અનુરાગ ઠાકુરઃ સૂચના અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- મનસુખ માંડવિયાઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- દર્શના જરદોશઃ રેલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- ડો.ભારતી પ્રવીણ પવારઃ સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- કિરણ રિજિજુઃ કાયદા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- જી કિશન રેડ્ડીઃ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
- નારાયણ રાણેઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
મોદી કેબિનેટમાં 50 વર્ષથી ઓછી વયના મંત્રીઓ
જે મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા તેમાં ૫૦ વર્ષથી ઓછી વયના પર નજર કરીએ તો સ્મૃતિ ઇરાની (૪૫), કિરણ રિજ્જુજી (૪૯), મનસુખ માંડવિયા (૪૯), કૈલાસ ચૌધરી(૪૭), સંજીવ બલયાન(૪૯), અનુરાગ ઠાકુર (૪૬), ડો. ભારતી પ્રવીણ પવાર(૪૨), અનુપ્રિયા પટેલ (૪૦), શાંતનુ ઠાકુર(૩૮), જ્હોન બર્લા (૪૫), ડો. એલ મુરુગન (૪૪)નો સમાવેશ થાય છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને યુપીના આઠ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યાં છે.
આ મંત્રીઓનો લેવાયા રાજીનામા
હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડા.