Muslim Population In 2023:  દેશમાં ઘણી સંસ્થાઓ મુસ્લિમો પર તેમની વસ્તી વધારવાનો આરોપ લગાવતી રહે છે. મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી હોવાના દાવા કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્ષ 2023માં દેશમાં મુસ્લિમોની વસ્તી કેટલી હશે. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો છે.


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ માલા રાયના પ્રશ્નોના લેખિત જવાબમાં લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તી દેશની કુલ વસ્તીના 14.2 ટકા હતી અને 2023માં પણ તેમનો હિસ્સો વસ્તી સમાન પ્રમાણમાં હશે. એટલે કે છેલ્લા 9 વર્ષમાં મુસ્લિમોની વસ્તી અને દેશની વસ્તી વૃદ્ધિની ગતિ સરખી જ છે.


મુસ્લિમોની વસ્તી 19.7 કરોડ હશે


એક લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 2011માં મુસ્લિમોની વસ્તી 17.2 કરોડ હતી. વસ્તીના આધારે રચાયેલા ટેકનિકલ જૂથે 2023માં દેશની વસ્તી 138.8 કરોડ થવાનો અંદાજ મૂક્યો છે. 2011ની વસ્તી પ્રમાણે 2023માં મુસ્લિમોની વસ્તી 14.2 ટકા રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં 2023માં મુસ્લિમોની સંખ્યા 19.7 કરોડ થઈ જશે.


મુસ્લિમોમાં સાક્ષરતા


માલા રાયના અન્ય એક પ્રશ્નના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના પીરીયાડિક લેબર ફોર્સ સર્વે 2021-22 મુજબ, સાત વર્ષ અને તેથી વધુ વયના મુસ્લિમોમાં સાક્ષરતા દર 77.7 ટકા હતો, જ્યારે લેબર ફોર્મમાં તેમની હિસ્સેદારી 35.1 ટકા હતી.


કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં એમ પણ કહ્યું કે 2020-21ના સરકારી સર્વેક્ષણ મુજબ, દેશમાં 94.9 ટકા મુસ્લિમો પાસે પીવાના પાણીના સારા સ્ત્રોત છે અને 97.2 પાસે શૌચાલયની વધુ સારી સુવિધા છે. 50.2 ટકા મુસ્લિમ પરિવારો એવા હતા જેમણે 31 માર્ચ, 2014 પછી નવા મકાનો અથવા ફ્લેટ ખરીદ્યા અથવા બનાવ્યા છે.


કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી  અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં ગુરુવારે જણાવ્યું કે, ડિસેમ્બર 202થી 635 યુઆરએલ, જેમાં 10 વેબસાઇટ્સ અને 5 એપ્સ સામેલ છે તેને બ્લોક કરવામાં આવી છે. તેમને  ઈન્ફોર્મેશન ટેક્નોલોજી  (Intermediary Guidelines and Digital Media Ethics Code) નિયમ, 2021 અંતર્ગત પૂછવામાં આવેલા પ્રશ્નનો આ ઉત્તર આપ્યો હતો.


આ ઉપરાંત માહિતી ખાતામાં કેટલી જગ્યા છે તેના પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું, ચાલુ વર્ષે જૂન સુધીમાં મંત્રાલયના વિવિધ મીડિયા યુનિટ્સ અને સંસ્થાઓમાં 1841 પોસ્ટ ખાલી છે. છેલ્લા પાંચ વર્ષમાં બેકલોગ  સહિત 446 પોસ્ટ ભરવામાં આવી છે.