Monsoon Update : દેશભરની જનતા કાળઝાળ ગરમીમાં રીતસરની સેકાઈ રહી છે. લોકો હવે કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. લોકોની આ આતૂરતાનો અંત લાવતા હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખની સરખામણીમાં થોડો વિલંબ થઈ શકે છે. IMDનું કહેવું છે કે, કેરળમાં નૈઋત્યનું ચોમાસું 4 જૂને દસ્તક દે તેવી શક્યતા છે.
જ્યારે ગયા વર્ષે ચોમાસું 29 મે તો 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું હતું. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
IMDએ ગયા મહિને કહ્યું હતું કે, અલ નીનોની સ્થિતિ હોવા છતાં, ભારતમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થવાની ધારણા છે. IMDના અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે આજે મંગળવારે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોને અસર કરતા પશ્ચિમી વિક્ષેપને કારણે મેના પહેલા જ બે અઠવાડિયામાં હીટવેવની સ્થિતિ ઓછી ગંભીર હતી.
"હીટવેવની શક્યતા નહીં પણ તાપમાન વધશે"
તેમણે કહ્યું હતું કે, આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ભારતની નજીક આવી રહ્યું હોવાથી આગામી 7 દિવસ સુધી ત્યાં હીટવેવની સ્થિતિની અપેક્ષા નથી. પરંતુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. હરિયાણા, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ રાજસ્થાનમાં ધૂળિયા પવનો ફૂંકાઈ રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
ફૂંકાશે ભારે પવન
કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત ગત અઠવાડિયે તાપમાન ઘણું વધારે હતું, તે મોટાભાગના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ રહ્યું હતું. વાતાવરણ શુષ્ક છે અને 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સપાટી પરથી ધૂળ ઉડીને વાતાવરણમાં ફેલાઈ રહી છે. મુખ્યત્વે આ ધૂળ 1-2 કિમીની ઉંચાઈ સુધી ફેલાઈ રહી છે.
ભુક્કા બોલાવશે વરસાદ, IMDએ 3 દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું; ચક્રવાત ‘મોચા’ નજીક આવી રહ્યું છે
બંગાળની ખાડીમાંથી બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'મોચા' ભારતના દરિયાકાંઠાના વિસ્તારો અને બંદરોની ચિંતા વધારી રહ્યું છે. દેશના હવામાન વિભાગે તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. તોફાનની ચેતવણી ચારથી વધારીને આઠ કરવામાં આવી છે. આ ચેતવણી દેશના ત્રણ બંદરો અને 12 જિલ્લાઓ માટે મોટા જોખમની નિશાની છે.
ત્રણ બંદરો ચટ્ટોગ્રામ, કોક્સ બજાર અને પાયરા છે જ્યાં સાવચેત રહેવા માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. કોક્સ બજાર, ચટ્ટોગ્રામ, ફેની, નોઆખલી, લક્ષ્મીપુર, ચાંદપુર, બરીશાલ, ભોલા, પટુઆખલી, ઝલકટી, પીરોજપુર અને બરગુના જિલ્લાઓ પણ ગ્રેટ ડેન્જર સિગ્નલ નંબર 8 હેઠળ આવશે. મોંગલા દરિયાઈ બંદરને શુક્રવારે બપોરથી લોકલ વોર્નિંગ સિગ્નલ નંબર 4 દર્શાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.