નવી દિલ્હી:  દેશની રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આ સાથે જ દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભારે વરસાદ થયો હતો, જેથી લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી. વાતાવરણ ખુશનુમા બનતાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક સોમા સેને સોમવારે જણાવ્યું હતું કે, " આગામી 3-4 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહારમાં ચોમાસું આગળ વધવાની અપેક્ષા રાખીએ છીએ.  વાવાઝોડું ચાલુ રહેશે. હીટ વેવની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થશે. 


IMD એ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું કે, "દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે," 


દિલ્હીમાં હવામાનની સ્થિતિ અંગે, તેમણે કહ્યું, "અમે દિલ્હીમાં તાપમાનમાં થોડો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. હીટ વેવની સ્થિતિ અપેક્ષિત નથી.આગામી 3-4 દિવસમાં સામાન્ય વાવાઝોડું આવી શકે છે."


દિલ્હીમાં ચોમાસું ક્યારે આવશે ?


દિલ્હીમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 30મી જૂન છે. જો કે, એવું ઘણી વખત બન્યું છે કે આ તારીખ પહેલા જ ચોમાસાએ દેશની રાજધાનીમાં પ્રવેશ કર્યો હોય. સાથે સાથે અનેક વખત ચોમાસાની રાહ પણ લાંબી થઈ જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂનની આસપાસ ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. દિલ્હીમાં 29 જૂન સુધી ઝરમરથી હળવા વરસાદની શક્યતા છે.


ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ


છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. 


આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી



  • 25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી   સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ

  • 26 જૂન: ભારે વરસાદ - પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

  • 27 જૂન: ભારે વરસાદ - નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી

  • 28 જૂન: ભારે વરસાદ - ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી