લખનઉઃ કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે ઝઝૂમી રહેલા દેશમાં સતત કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી આર્થિક મદદ આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટોચના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે ચાર લાખથી વધુ શહેરી વેન્ડર્સના બેન્ક એકાઉન્ટમાં રોકડ મદદ ટ્રાન્સફર કરી હતી.






વીડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદની જાહેરાત કરી હતી. તે સિવાય 11 લાખથી વધુ મજૂરોને એક-એક હજાર રૂપિયાની મદદ કરવામાં આવી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, મનરેગા હેઠળ મજૂરી કરનારા 88 લાખ એવા મજૂરો છે જેમને ભથ્થુ આપવામાં આવ્યું છે. જ્યારે 27 લાખથી વધુ મજૂરોના જે બાકી રૂપિયા હતા તે આપી દેવામાં આવ્યા છે. યોગીના મતે રાજ્યમાં 88 લાખથી વધુ પરિવારોને સમય કરતા પહેલા પેન્શન આપવામાં આવી છે. જેથી કોઇને મુશ્કેલી ના આવે.



મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના બે કરોડથી વધુ ખેડૂતોને મદદ આપવામાં આવી રહી છે. સાથે કેન્દ્ર સરકારે રસોઇ ગેસ, મહિલાઓને આર્થિક મદદ અને રાશનની વ્યવસ્થા કરી છે.