નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ હવે ભારતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 6 લાખને પાર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે અત્યાર સુધી દેશમાં 6 લાખ 4 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.


તાજા આંકડા પ્રમાણે, ભારતમાં 17834 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે 3 લાખ 59 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19 હજાર 148 નવા કેસો સામે આવ્યા છે, અને 434ના મૃત્યુ થયા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા નંબર પર છે. ભારતથી વધારે કેસો અમેરિકામાં 2,778,152, બ્રાઝિલ 1,453,369, રશિયા 654,405માં છે. પરંતુ ભારતમાં કેસો વધવાની સ્પીડ વધુ છે.

આંકડા પ્રમાણે, દેશમાં હાલના સમયમાં 2 લાખ 26 હજાર કોરોનાના એક્ટિવ કેસ છે, સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 79 હજારથી વધુ સંક્રમિતો હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારબાદ બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબરે તામિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે.

એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત ચોથા નંબર પર છે, એટલે કે ભારત એવો ચોથો દેશ છે, જ્યાં હાલ સૌથી વધુ સંક્રમિત લોકો હૉસ્પીટલમાં ઇલાજ કરાવી રહ્યાં છે.