રાંચી: ઝારખંડમાં ભાજપ શાસિત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટ પર તાત્કાલિક અસરથી રોક લાગી દીધી છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પર નવા ટ્રાફિક નિયમો પ્રમાણે વસુલાતા ભારે ભરખમ દંડ પર હાલમાં રોક લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓને આગામી ત્રણ મહિના સુધી સતત ઝુંબેશ ચલાવી લોકોને આ નવા નિયમો અંગે જાણકારી આપવા અને દસ્તાવેજો માટે સહયોગ કરવા નિર્દેશ આપ્યા છે.


સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ સમીક્ષા ઉપરાંત પરિવહન વિભાગની તમામ એજન્સીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારીઓને  આદેશ આપ્યો છે કે તેઓ નાગરિકોને નિયમો અંગે સમજાવે, સાથે જ મોટર અધિનિયમમાં સુધારેલી જોગવાઈઓનું પાલન કરવાની સલાહ આપે. તેમણે કહ્યું આ પ્રક્રિયા આગામી ત્રણ મહિના સુધી ચલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પણ નવા નિયમો હાલમાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. જ્યારે કેટલાક રાજ્યમાં દંડની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે.