MP BJP Candidate List 2023:  ભાજપે મધ્યપ્રદેશ ચૂંટણી માટે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં સાત સાંસદોનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને ફગન સિંહ કુલસ્તેને ટિકિટ આપી છે. તોમર દિમાની, પ્રહલાદ પટેલ નરસિંહપુર અને કુલસ્તે નિવાસ બેઠક પરથી ચૂંટણી લડશે.


કયા સાંસદોને ભાજપે આપી ટિકિટ, કમલનાથ સામે કોણ લડશે


આ સિવાય પાર્ટીએ ગદરવાડાથી  સાંસદ ઉદય પ્રતાપ સિંહ, જબલપુર પશ્ચિમથી રાકેશ સિંહ, સતનાથી ગણેશ સિંહ અને સિધીથી રીતિ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે.


ભાજપે ગણેશ સિંહને સતના અને કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર 1થી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ નેતા કમલનાથની છિંદવાડા સીટ પરથી ભાજપે વિવેક બંટી સાહુને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. ઇમરતી દેવીને ડાબરા (SC) બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.




ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 13 સપ્ટેમ્બરે મળી હતી. આ બેઠકમાં નામોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદથી યાદીની રાહ જોવાઈ રહી હતી. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં મુખ્યત્વે સત્તાધારી ભાજપ કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી રહી છે. બંને પક્ષો દ્વારા રાજ્યમાં સતત પ્રચાર ચાલી રહ્યો છે.


ભાજપે 17 ઓગસ્ટે મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ બેઠકો 230 છે. બહુમત માટે 116 બેઠકો જીતવી જરુરી છે.  મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કૉંગ્રેસ પણ વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે.