મુંબઇઃ પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દીવ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં પ્રફુલ્લ પટેલ સામેની FIR રદ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આત્મહત્યા કરતા અગાઉ છ પેજની સુસાઇડ નોટ પણ લખી હતી.
નવ આરોપીઓએ ગયા વર્ષે હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. જસ્ટિસ પી.બી. વારલે અને ન્યાયમૂર્તિ એસ.ડી. કુલકર્ણીની બેન્ચે અરજીઓને મંજૂર કરતા જણાવ્યું હતું કે કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે એફઆઈઆર રદ્દ કરવા માટે આ યોગ્ય કેસ છે.
ઉલ્લેખનીય છે કે દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે મૃત્યુનું કારણ જાણવા માટે તેમના વિસેરાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દાદરા અને નગર હવેલીના સાંસદ ડેલકર (58)નો મૃતદેહ 22 ફેબ્રુઆરી, 2021ના રોજ દક્ષિણ મુંબઈની એક હોટલમાં સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે સંબંધિત સ્થળ પરથી ગુજરાતીમાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે.
ડેલકરના પરિવારના સભ્યો મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગયા અને ડેલકરના પુત્ર અભિનવે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મુંબઈ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઇઆર નોંધી હતી.
ડેલકર દાદરા અને નગર હવેલીથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વર્ષ 2019માં સાતમી વખત ચૂંટાયા હતા. ડેલકર 1989, 1991 અને 1996ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને 1998માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બન્યા પરંતુ તેમને સફળતા મળી ન હતી. ડેલકર તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી હતી અને અપક્ષ લડીને જીત મેળવી હતી.