Mukhtar Ansari Death:  માફિયા મુખ્તાર અંસારીનું અવસાન થયું છે. મુખ્તાર અંસારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડોકટરોની ત્રણ પેનલ બાંદા મેડિકલ કોલેજમાં જ મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે.


બે દિવસ પહેલા પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા
પૂર્વ સાંસદને બે દિવસ પહેલા પેટમાં ગેસ અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


 






બાંદા પહોંચી રહ્યો છે મુખ્તાર અન્સારીનો પરિવાર
મુખ્તાર અંસારીના મૃત્યુની માહિતી મળતા જ એડીજી પ્રયાગરાજ ભાનુ ભાસ્કર બાંદા જવા રવાના થઈ ગયા. બાંદા જેલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાંદાના જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્તાર અંસારીના મોટા ભાઈઓ અફઝલ અંસારી અને શિવગત ઉલ્લાહ અંસારી બાંદા પહોંચી રહ્યા છે. મુખ્તારનું પોસ્ટમોર્ટમ વીડિયો કેમેરામાં કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ મુખ્તારના પરિવારને સોંપવામાં આવશે.


બાંદાથી ગાઝીપુર સુધી હાઈ એલર્ટ
સાથે જ યુપીના તમામ જિલ્લાઓમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. મુખ્તાર અંસારીના મોત બાદ પોલીસ સડકો પર છે. બાંદાથી ગાઝીપુર સુધી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે સાવચેતીના પગલાં શરૂ કર્યા છે. મુખ્તાર અન્સારીનો પરિવાર રસ્તામાં છે અને વહેલી સવારે બાંદા પહોંચે તેવી ધારણા છે.


મેડિકલ કોલેજે પુષ્ટિ કરી
હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજ પ્રશાસને 63 વર્ષીય મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ કરતું મેડિકલ બુલેટિન બહાર પાડ્યું છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર, મુખ્તાર અંસારીને બેભાન અવસ્થામાં બાંદા મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. 9 ડોક્ટરોની ટીમે મુખ્તાર અંસારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને બચાવી શકાયા નહોતા. મુખ્તાર અંસારીના મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.