Mulayam Singh Yadav Death : સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ છેલ્લા આઠ દિવસથી એટલે કે 2 ઓક્ટોબરથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 2 ઓક્ટોબરે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા હતા.
મુલાયમ સિંહના નિધન બાદ સમાજવાદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની બગડતી તબિયતની જાણ થતાં પુત્ર અખિલેશ યાદવ, ભાઈ શિવપાલ યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવ દિલ્હી જવા રવાના થયા હતા. નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાધના ગુપ્તાનું પણ નિધન થયું હતું.
1939માં સૈફઈમાં થયું હતું
55 વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય રહેલા મુલાયમસિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈમાં થયો હતો. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. તેઓ 1967માં યુપીના જસવંત નગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના રાજકીય કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સાત વખત ચૂંટાયા બાદ લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં તેમને સંયુક્ત મોરચાની ગઠબંધન સરકારમાં સંરક્ષણ પ્રધાન બનવાની તક પણ મળી.
રાજકીય સફર
મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી ઘણી શાનદાર રહી છે. 1977માં તેઓ જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત યુપીના મંત્રી બન્યા હતા, જ્યારે 1989માં તેઓ પ્રથમ વખત યુપીના સીએમ બન્યા હતા. આ પછી 1993 અને પછી 2003 તેઓ બીજી અને ત્રીજી વખત સીએમ બન્યા હતા. મુલાયમ સિંહે 1992માં સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને 1993માં BSP સાથે મળીને સરકાર બનાવી હતી. તેમના પુત્ર અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓ તેના સંરક્ષકની જવાબદારી નિભાવી રહ્યા હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં લોકસભામાં મૈનપુરી સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.