Lata Dinanath Mangeshkar Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતીકાલે એક મંચ પર સાથે જોવા મળી શકે છે. આવતીકાલે એટલે કે 24 એપ્રિલ, રવિવારના રોજ સ્વર કોકિલા લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ પર પીએમ નરેન્દ્ર મોદીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં રાજ ઠાકરે હાજર રહે તેવી શક્યતા છે.


પીએમ મોદી લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ 
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આ વર્ષથી શરૂ થઈ રહ્યો છે. આ એવોર્ડ દર વર્ષે એક વ્યક્તિને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હશે. પીએમ મોદીના લતા મંગેશકર સાથેના લગાવને બધા જાણે છે, તેઓ તેમને પોતાની મોટી બહેન માનતા હતા.


અગાઉ, મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ મ્યુઝિકનું નામ સ્વર કોકિલા અને સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો હતો.



પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર હશે 
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલને ધ્યાનમાં લઈએ તો આ અવસર ખૂબ જ ખાસ બનવાનો છે. આ પહેલા પીએમ મોદી અને ઉદ્ધવ ઠાકરે વર્ષ 2021માં એકસાથે મળ્યા હતા. બીજી તરફ અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિએ પણ પીએમ મોદીની આ મુલાકાતને લઈને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્લાન રદ્દ કરી દીધો છે. આ લોકોનું કહેવું છે કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તેથી તેમણે આ નિર્ણય લીધો છે.