Mumbai Rains: મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.






છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. રવિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ લોકલ ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે સવારે નોકરી જતા મુંબઇ વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.






આગામી 3-4 દિવસ ભારે વરસાદનું એલર્ટ


હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જૂલાઈથી 10 જૂલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે.






ભારે વરસાદને કારણે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. રવિવારે પણ કેટલીક જગ્યાએ લોકલ સેવાને અસર થઈ હતી. મુંબઈને અડીને આવેલા ઠાણે જિલ્લામાં કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ સેવા બંધ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે. ભારે વરસાદને કારણે લોકલ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઠાણે , પાલઘર અને રાયગઢ અને આસપાસના વિસ્તારોના લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનને લાઈફલાઈન માનવામાં આવે છે.