મહારાષ્ટ્રની શિંદે સરકારે એક મોટો નિર્ણય લેતા મુંબઈની વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દીધું છે. જ્યારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલવામાં આવ્યું છે. હવે તે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતુ તરીકે ઓળખાશે. બુધવારે (28 જૂન) રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી ANIએ આ અંગેની માહિતી આપી હતી.






મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  એકનાથ શિંદેએ ગયા મહિને સાવરકરના જન્મદિવસ, 28 મેના રોજ જાહેરાત કરી હતી કે બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ હિન્દુત્વના વિચારક વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય શૌર્ય પુરસ્કારની જેમ રાજ્ય કક્ષાના શૌર્ય પુરસ્કારનું નામ પણ સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે.






40,000 કરોડના રોકાણની દરખાસ્તને મંજૂરી


કેબિનેટની બેઠક વિશે માહિતી આપતાં સીએમ શિંદેએ કહ્યું હતુ કે, આજે અમે 40,000 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આનાથી 1,20,000 લોકોને રોજગાર મળશે. મહારાષ્ટ્રમાં અનેક ઉદ્યોગો આવી રહ્યા છે. આપણા રાજ્યમાં ઘણી શક્યતાઓ છે. હવે મહારાષ્ટ્ર FDIમાં ફરી નંબર 1 બની ગયું છે.


700 બાળાસાહેબ ક્લિનિક્સ ખોલવા લેવાયો નિર્ણય


કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 700 સ્થળોએ હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ક્લિનિક્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સીએમ શિંદેએ ટ્વિટ કરીને કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી છે.


આ ઉપરાંત મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના સંયુક્ત રીતે અમલમાં આવશે. 2 કરોડ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવશે, જે અંતર્ગત 5 લાખનું હેલ્થ કવર મળશે. સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાલ યોજનાની રકમ રૂ.1000 થી વધારીને રૂ.1500 કરવામાં આવી છે.


છત્રપતિ સંભાજીનગરમાં મરાઠવાડા મુક્તિ સંગ્રામનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જાલનાથી જલગાંવ સુધી નવી બ્રોડગેજ રેલ્વે લાઇન માટે રૂ. 3552 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 9 જગ્યાએ નવી સરકારી ડિગ્રી કોલેજો સ્થાપવા માટે 4365 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.