Nagpur News: મહારાષ્ટ્રના નાગપુરમાં વિસ્ફોટક બનાવતી એક મોટી કંપનીમાં ધડાકાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ભયાનક ધડાકાથી ભીષણ આગ લાગી છે. નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાં રાઉલગાંવ પાસે ગનપાઉડર, ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક બનાવતી એક કંપનીમાં મોટો ધડાકો થયો છે. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધડાકા બાદ કારખાનામાં લાગી આગ
આ મોટા ધડાકા બાદ કારખાનામાં ભયાનક આગ લાગી ગઈ છે, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ધડાકો SBL કંપનીમાં સવારે 6 અને 7 વાગ્યાની વચ્ચે થયો હતો. ધડાકા સમયે 32 વર્કર્સ અને 2 સુપરવાઈઝર ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે તેણે તરત જ મજૂરોને લપેટમાં લઈ લીધા હતા. આ ફેક્ટરીમાં ડિટોનેટર બનાવવામાં આવી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે વાયરને ડિટોનેટર સાથે જોડવામાં આવી રહ્યો હતો ત્યારે આ ધડાકો થયો હતો.
કિલોમીટર સુધી સંભળાયો અવાજ
આ ઘટના દરમિયાન સ્થળ પર બનેલી કોંક્રિટની બિલ્ડિંગ સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે અને તેની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ધડાકાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. હાલમાં આ આગની જાણ ફાયર બ્રિગેડને કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ધડાકાના અવાજથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફેક્ટરીની અંદરથી નીકળતા ધુમાડાના ગોટેગોટા ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
સ્થાનિક પોલીસ પ્રશાસન અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો ચાલુ છે.
