Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનાવવાના ફોન આવવા લાગ્યા છે. TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોના ફોન આવ્યા છે. ટીડીપીના સાંસદો ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે. આ તમામ નેતાઓને મોદી 3.0 કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.


વાસ્તવમાં, નવી સરકારમાં મંત્રી પરિષદમાં એનડીએના વિવિધ ઘટકોનો સમાવેશ કરવા માટે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુ, JDU ચીફ નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે જેવા નેતાઓ સાથે મંત્રી પરિષદમાં ભાગ લેવાની વાત કરી છે. આ પછી જ નામ ફાઇનલ થયા છે અને હવે કોલ આવવા લાગ્યા છે. આ લોકો આજે જ શપથ પણ લઈ શકે છે.


અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા?


ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (TDP)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
કમલજીત સેહરાવત (ભાજપ)
મનોહર લાલ ખટ્ટર (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
રાવ ઈન્દ્રજીત સિંહ (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)


મોદી સરકાર 3.0માં રૂપાલાને મંત્રીપદ મળવાની શક્યતા નહીંવત


મોદી સરકાર 3.0નો આજે સાંજે સવા સાત વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળમાં કોનો  કોનો સમાવેશ થશે તે થોડી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. હાલ સૂત્રોનું માનીએ તો અમિત શાહ અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રી બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. તો ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો પરશોત્તમ રૂપાલા મોદી સરકાર 3.0માં મંત્રી મંડળમાંથી આઉટ થઈ શકે છે. તેનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીંવત છે.


આ ઉપરાંત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને હાલના ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવો સૂત્રોનો દાવો છે. તો હાલના ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર.પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં લઈ જવાશે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે યથાવત રખાય તે કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અથવા વલસાડના સાંસદ ધવલ પટેલ બે પૈકી એકને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સ્થાન અપાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં શપથ લેવા અંગેની જાણકારી થોડીવાર બાદ જે તે સાંસદને આપવાની શરૂઆત થશે.