Godhra tragedy 2002: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં 2002ના ગુજરાત રમખાણો પર વિસ્તૃત ટિપ્પણી કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગોધરા ટ્રેનની ઘટનાને એક અકલ્પનીય અને ભયાનક દુર્ઘટના ગણાવી હતી, જેને તેમણે 2002ના ગુજરાત રમખાણો માટેનું મુખ્ય કારણ (સ્પાર્ક પોઇન્ટ) જણાવ્યું હતું.
પીએમ મોદીએ તે સમયની કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, "તે સમયે કેન્દ્રમાં વિપક્ષની સરકાર હતી અને તેમણે ગુજરાત રમખાણો દરમિયાન અમારી સામેના ખોટા કેસોમાં અમને સજા કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો." જો કે, તેમણે ઉમેર્યું કે તેમના તમામ પ્રયત્નો છતાં, ભારતના ન્યાયતંત્રએ સમગ્ર ઘટનાનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ આરોપીઓને કાયદેસરની સજા થઈ છે.
2002ના રમખાણો પહેલાની પરિસ્થિતિ વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "તમે 2002ના રમખાણો વિશે વાત કરો તે પહેલાં, હું તમને એ સમયની પરિસ્થિતિનો યોગ્ય ખ્યાલ આપવા માટે પાછલા વર્ષોની કેટલીક ઘટનાઓ યાદ કરાવવા માંગુ છું. 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી જતું વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો અને ઓક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો."
પીએમ મોદીએ આ ઘટનાઓને વૈશ્વિક સ્તરના આતંકવાદી હુમલા ગણાવ્યા હતા, જેનાથી વૈશ્વિક અસ્થિરતાની શરૂઆત થઈ હતી. તેમણે જણાવ્યું કે આ બધાની વચ્ચે 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 24 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેમની સરકાર 27 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની તૈયારીમાં હતી, ત્યારે જ તેમને ગોધરા ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી હતી, જેમાં ઘણા નિર્દોષ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અગાઉની તમામ ઘટનાઓ પછી રાજ્યની પરિસ્થિતિ કેટલી સંવેદનશીલ હશે તેની કલ્પના કરી શકાય છે. તેમણે માહિતી આપી કે 2002 પહેલા ગુજરાતમાં 250 થી વધુ મોટા રમખાણો થયા હતા, જેમાં 1969ના રમખાણો તો 6 મહિના સુધી ચાલ્યા હતા, ત્યારે પણ વિપક્ષ સત્તામાં હતો અને તેમણે તેમની સામે ખોટા કેસોમાં સજા કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
અંતમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 2002 પહેલા ગુજરાતમાં સતત રમખાણો થતા હતા, પરંતુ 2002 પછી રાજ્યમાં કોઈ મોટી રમખાણની ઘટના બની નથી.