નાસિકઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગબાદ, થાણે બાદ વધુ એક શહેરમાં લોકડાન નાંખવાનો નિર્ણય લેવામાં આવે છે. આ દરમિયાન આજે નાસિક જિલ્લા તંત્ર દ્વારા આકરા નિયંત્રણો સાથે વીકેંડ લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન આજથી જ અમલી બનશે. જિલ્લા તંત્રના કહેવા મુજબ 15 માર્ચ બાદ કોઇ પણ લગ્ન સમારોહને મંજૂરી નહીં આપવામાં આવે.
લોકડાઉન દરમિયાન સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, શોપિંગ મોલ, કોમ્પલેક્સ બંધ રહેશે. માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનોને જ છૂટ આપવામાં આવશે. રેસ્ટોરંટ રાત્રે 9 વાગ્યે બંધ થશે અને 11 વાગ્યા સુધી પાર્સલ આપી શકશે. નાસિક શહેરની તમામ સ્કૂલ, કોલેજો, કોચિંગ ક્લાસ બંઝ રહેશે.
મંદિર-મસ્જિદ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. વીકેંડમાં ધર્મસ્થાનો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. UPSC અને MPSCની પરીક્ષા નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.
થાણેમાં કોરોનાને કાબુમાં કરવા તંત્રએ 11 હોટસ્પોટમાં લોકડાઉન લાગુ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં કોરોનાના મામલા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, વિદર્ભ, પુણે અને મુંબઈમાં ઝડપથી નવા મામલા આવવાના કારણે માત્ર 13 દિવસમાં જ એક લાખથી વધારે મામલા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સખ્યા 22,08,586 પર પહોંચી છે.