West Bengal: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ઘણીવાર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં જોવા મળે છે. જો કે મહુઆએ આ વખતે કૈંક અલગ જ રીતે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેણે કેટલાક લોકોને ચા પીવડાવી અને કહ્યું, કોણ જાણે આ મને ક્યાં લઈ જશે. વાસ્તવમાં સાંસદ મહુઆ મોઇત્રાએ તેના સંસદીય ક્ષેત્ર કૃષ્ણા નગરમાં એક ટી-સ્ટોલ પર ચા બનાવી હતી. અને ત્યારબાદ તેણે પોતે ટ્વિટર પર તેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરી તેણે લખ્યું, "ચા બનાવવાની કોશિશ કરી રહી છું... કોણ જાણે આ મને ક્યાં લઈ જશે." તે જ સમયે 28 સેકન્ડના આ વીડિયોમાં મહુઆ ચાના વાસણમાં ખાંડ નાખતી જોવા મળી હતી અને ચા બનાવ્યા બાદ તે ગ્રાહકોને ચા આપતી વીડિયોમાં જોવા મળી રહી છે.


નેતાજી સુભાષચંદ્ર બોઝના પુત્રએ મહુઆ મોઈત્રાના આ વીડિયો પર કર્યો કટાક્ષ


તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે સાંસદ મહુઆના આ વીડિયો પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, "તમે જાણો છો કે આ તમને ક્યાં લઈ જશે..." તે જ સમયે એક ટ્વિટર યુઝરે આ વીડિયો પર ટિપ્પણી કરી અને લખ્યું, "એમબીએ ચાયવાલી." અન્ય એક યુઝરે કહ્યું, "દરેક કામની શરૂઆત અમુક સમયે થાય છે. મને ખાતરી છે કે આ ચા સારી બની હશે." એક વ્યક્તિએ મજાકમાં લખ્યું, "જો ચા સાથે પકોડા હોત તો વાત જ અલગ હોત..." 






મહુઆ મોઈત્રા 'દીદીર સુરક્ષા કવચ'નું પ્રમોશન કરી રહી હતી


મહુઆ મોઇત્રા તેના લોકસભા સંસદીય મતવિસ્તાર કૃષ્ણા નગરની મુલાકાત લઈ રહી હતી ત્યારે તે રસ્તાની બાજુના ચાની સ્ટોલ પર રોકાઈ ગઈ હતી. આ પછી મહુઆ મોઇત્રાએ સ્ટોલ પર ચા બનાવી અને ઘણા લોકો તેને જોવા માટે ત્યાં એકઠા થઈ ગયા. ચા બની ગયા પછી મહુઆએ  ચા સ્ટોલ પાસે ઊભેલા લોકોને ચા આપી હતી. તમને જણાવી દઈએ કે પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૃણમૂલ કોંગ્રેસે 2023માં પોતાનું નવું અભિયાન 'દીદીર સુરક્ષા કવચ' શરૂ કર્યું છે અને મહુઆ મોઇત્રા પોતાના સંસદીય ક્ષેત્રમાં આ અભિયાનનો પ્રચાર કરી રહી છે.