નવી દિલ્હી:  શનિવારે કેરળમાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. જે બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. એક દિવસ પછી ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું, જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રવિવાર અને સોમવારે રાત્રે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. 

શનિવારે મોડી રાત્રે રાજધાની દિલ્હી અને તેના નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં વિવિધ સ્થળોએ વૃક્ષો પડવાની, પાણી ભરાઈ જવાની અને અનેક અંડરપાસમાં વાહનો ડૂબી જવાની ઘટનાઓ બની હતી. 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે મોડી રાત્રે અને સોમવારે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન, હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે મહારાષ્ટ્ર અને રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

દિલ્હીમાં પણ વરસાદની શક્યતા 

શનિવારે રાત્રે દિલ્હી NCRમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તોફાન અને વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. એવું માનવામાં આવે છે કે સોમવારે પણ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

શનિવારે રાત્રે આવેલા તોફાનને કારણે 270 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. લગભગ 227 ફ્લાઇટ્સ મોડી પડી હતી. 49 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી. 

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 થી 31 મે દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર અને આસપાસના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. 28 થી 31 મે દરમિયાન, આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને મરાઠવાડામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 30 મે સુધી કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 4 દિવસ દરમિયાન વરસાદના ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.