નવી દિલ્લી: પંજાબમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. નવજોત સિંહ સિધ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ આજે કૉંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ધુની પત્ની સાથે પૂર્વ હૉકી ખેલાડી પરગટ સિંહ પણ કૉંગ્રેસમાં જોડાયા છે.


ભાજપા છોડ્યા બાદ સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જાવાની અટકળો ચાલતી હતી, પરંતુ વાત ન બનતા સિદ્ધુએ પરગટ સિંહ અને બૈંસ બ્રર્ધસ સાથે મળી શાન એ પંજાબ પાર્ટીની જાહેરાત કરી હતી, પરંતુ બૈંસ બ્રર્ધસ સિદ્ધુને ઝટકો આપી આપ માં જોડાયા હતા. હવે સિદ્ધુની પત્ની કૉંગ્રેસમાં જોડાતા સિદ્ધુની પણ કૉંગ્રેસમાં જવાની અટકળો વધી ગઈ છે.

સુત્રોની જાણકારી મુજબ, સિદ્ધુ અને કૉંગ્રેસમાં ડિલ નક્કી થઈ તે મુજબ સિદ્ધુ કૉંગ્રેસમાં જોડાશે પરંતુ વિધાનસભાની ચૂંટણી નહી લડે. સિદ્ધુ અમૃતસર સીટ પરથી કૉંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડશે. સતલુઝ યમુના લિંક વિવાદ મામલે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ અમૃતસર બેઠક ખાલી પડી છે.

સુત્રોની જાણકારી મુજબ સિદ્ધુની નજર મુખ્યમંત્રીની ખુરશી પર હતી પરંતુ કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દે રાજી ન થતા કૉંગ્રેસ તરફથી સિદ્ધુને ઉપમુખ્યમંત્રીની ઓફર કરવામાં આવી છે.