Navjot Sidhu Meets CM Channi: પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે ચંદીગઢમાં મુલાકાત કરી હતી. પંજાબ ભવનમાં થયેલી આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી પરગટ સિંહ, કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા, પવન ગોયલ અને પર્યવેક્ષક હરીશ ચૌધરી હજાર રહ્યા હતા. સિદ્ધુએ 28 સપ્ટેમ્બરે બધાને ચોંકાવતા ચન્ની સરકારના નિર્ણયોથી નારાજ થઈ પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું વાતચીતથી મુદ્દાને ઉકેલી લેશે.
બુધવારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ હતુ કે, 'મેં આજે નવજોત સિંહ સિદ્ધુ સાહેબની સાથે ટેલીફોન પર વાત કરી છે. પાર્ટી સર્વોચ્ચ છે, સરકાર પાર્ટીની વિચારધારાને સ્વીકાર કરે છે અને તેનું પાલન કરે છે. (મેં તેમને કહ્યું કે) તમે આવો, બેસો અને વાત કરો.' બીજી બાજુ, સિદ્ધુએ બુધવારે પોલીસ મહાનિદેશક, રાજ્યના એડવોકેટ જનરલ અને 'કલંકિત' નેતાઓની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા.
વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાના પંજાબ પોલીસના મહાનિદેશક તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. સહોતાનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરતા સિદ્ધુએ કહ્યું, આજે મેં જોયુ કે તે મુદ્દા સાથે સમજુતી થઈ રહી છે. સહોતા ફરીદકોટમાં ગુરૂ ગ્રન્થ સાહિબની અસભ્ય ઘટનાઓની તપાસ માટે તત્કાલીન અકાલી સરકાર દ્વારા 2015માં રચાયેલી એક એસઆઈટીના પ્રમુખ હતા.
નવજોત સિદ્ધુને કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે 18 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. વિવાદ યથાવત રહેતા કેપ્ટને 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચરણજિત સિંહ ચન્નીને સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. પરંતુ હવે સિદ્ધુએ ચન્ની સરકારના નિર્ણયથી નારાજ થઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.