Sharad Pawar Death Threat: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ એનસીપી સાંસદ અને પવારની પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા ગયું હતું. NCPનું પ્રતિનિધિમંડળ જાનથી મારી નાખવાની ધમકી આપતા ટ્વિટર હેન્ડલ સામે કાર્યવાહીની માંગ કરશે.


શરદ પવારને મળેલી ધમકી વિશે માહિતી આપતાં NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમને પવાર માટે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ તરફ ધ્યાન આપવાની માગણી કરું છું. આ પ્રકારની હરકતો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ. સુપ્રીયા સુલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું માનનીય અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.


ભાજપના નેતાએ કહ્યું હતું ઔરંગઝેબનો પુનર્જન્મ


ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ ગુરુવારે (8 જૂન) એનસીપી વડા શરદ પવારને ઔરંગઝેબનો પુનર્જન્મ ગણાવ્યા હતા. નિલેશ રાણેએ ટ્વીટર પર લખ્યું કે ચૂંટણી નજીક આવતાં જ પવાર મુસ્લિમ સમુદાય માટે ચિંતિત થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે શરદ પવાર ઔરંગઝેબનો પુનર્જન્મ છે.


કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેનું આ નિવેદન સામે આવ્યા બાદ શુક્રવારે (9 જૂન) એનસીપીએ મુંબઈમાં જેલ ભરો આંદોલનનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન શરદ પવારને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. NCP સાંસદ સુપ્રિયા સુલે આ મામલે મુંબઈના પોલીસ કમિશનરને મળ્યા હતા.



સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે પગલાં લેવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની હરકતો  ગંદી રાજનીતિ છે અને તેને રોકવી જોઈએ.  


એનસીપી ચીફ શરદ પવારે કોલ્હાપુરમાં હિંસા બાદ કહ્યું હતું કે પરિસ્થિતિ એવી છે કે આપણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોની ચિંતા કરવી જોઈએ. ખરેખર કોલ્હાપુરમાં મહારાષ્ટ્રના કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સ્ટેટસ પર ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની તસવીરો લગાવવાને લઈને હોબાળો થયો હતો. ત્યારબાદ 7 જૂને હિન્દુત્વવાદી સંગઠનોએ કોલ્હાપુરમાં વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પથ્થરમારો અને હિંસાની સ્થિતિ જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે.