nda mission 360 campaign: સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલાં કેન્દ્રમાં સત્તારૂઢ NDA ગઠબંધને પોતાનું 'મિશન 360' પાર પાડવા માટે કમર કસી લીધી છે. ભાજપ અને તેના સાથી પક્ષો હવે ઉત્તર-પૂર્વના રાજ્યોથી લઈને મહારાષ્ટ્ર સુધી પોતાનો જનાધાર અને સાંસદોની સંખ્યા વધારવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. એક તરફ પશ્ચિમ બંગાળમાં TMC અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટું ભંગાણ પડ્યું છે, તો બીજી તરફ સરકાર હવે મિઝોરમની ZPM જેવી પ્રાદેશિક પાર્ટીઓનું ઔપચારિક જોડાણ વિના પણ સમર્થન મેળવવામાં સફળ રહી છે. આ તમામ રાજકીય ઉથલપાથલ અને આંકડાકીય કસરતનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદના આગામી સત્રમાં સીમાંકન અને મહિલા અનામત જેવા અત્યંત મહત્વના બિલોને સરળતાથી પસાર કરાવવાનો છે.
1 ડઝન બેઠકોની ઘટ અને પૂર્વોત્તર પર નજર
હાલમાં NDA ને પોતાનો 360 નો જાદુઈ આંકડો પાર કરવામાં લગભગ એક ડઝન (12) જેટલી બેઠકોની ઘટ પડી રહી છે. આ ખોટ પૂરી કરવા માટે પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઔપચારિક રીતે NDA માં ન જોડાયા હોવા છતાં, મિઝોરમની સત્તાધારી પાર્ટી ZPM (ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ) ના રાજ્યસભાના નવનિર્વાચિત સાંસદ લલતલુઆંગકીમાએ સંસદમાં સરકારને મુદ્દા આધારિત સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. લોકસભામાં પણ ZPM નો 1 સાંસદ છે, જેનો સીધો ફાયદો સરકારને બંને ગૃહોમાં વધારાના સમર્થન તરીકે મળી રહ્યો છે. આ ઉપરાંત, પડદા પાછળ મહારાષ્ટ્રમાં NCP અને દક્ષિણમાં DMK જેવા પક્ષો સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે.
ઉત્તર-પૂર્વની બેઠકોનું ગણિત
જો ઉત્તર-પૂર્વની કુલ 25 લોકસભા બેઠકોની વાત કરીએ, તો હાલનું સમીકરણ કંઈક આ મુજબ છે:
NDA (કુલ 16 બેઠકો): ભાજપ - 13, AGP - 1, UPPL - 1, SKM - 1
વિપક્ષ/અન્ય (કુલ 9 બેઠકો): કોંગ્રેસ - 7, VPP - 1, ZPM - 1
ભાજપની રણનીતિ માત્ર ચૂંટણી પૂરતી સીમિત નથી. સંસદમાં બહુમતી વધારવા માટે અલગ-અલગ મોડલ અપનાવવામાં આવી રહ્યા છે. ક્યાંક વિપક્ષી સાંસદો સીધા NDA માં જોડાઈ રહ્યા છે, તો ક્યાંક વિપક્ષના રાજ્યસભા સાંસદો રાજીનામાં આપી રહ્યા છે. નાના પક્ષોને સાથે લઈને નવા રાજકીય સમીકરણો રચવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક જૂથોને માન્યતા આપીને ગઠબંધનનું સંખ્યાબળ વધારવામાં આવી રહ્યું છે.
NDA ની અંદર બદલાતા આંકડા અને સમીકરણો
આ આક્રમક રણનીતિની અસર વિપક્ષોની સાથે સાથે ખુદ NDA ની અંદર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ગત ચૂંટણી પછીનું ચિત્ર અને અત્યારના આંકડામાં ઘણો મોટો તફાવત આવી ગયો છે.
ચૂંટણી પછીની શરૂઆતી સ્થિતિ:
ભાજપ - 240
TDP - 16
JDU - 12
શિવસેના (શિંદે) - 7
LJP - 5
હાલની નવી સ્થિતિ:
ભાજપ - 240
NCPI (TMC માંથી અલગ પડેલું નવું જૂથ) - 20
TDP - 16
શિવસેના (શિંદે) - 13
JDU - 12
LJP - 5
તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી અલગ થઈને NDA માં જોડાનારા 20 સાંસદોના નવા જૂથ (NCPI) ના આગમનથી તે અચાનક ગઠબંધનનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. જેના લીધે ચંદ્રબાબુ નાયડુની TDP ત્રીજા સ્થાને ખસી ગઈ છે. તેવી જ રીતે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાઈ જતાં તેમની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. પરિણામે, એક સમયે NDA માં ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી ગણાતી નીતિશ કુમારની JDU (12 સાંસદો) હવે સીધી પાંચમા સ્થાને સરકી ગઈ છે.
