નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે આજે NEET UG કેસ પર વિગતવાર ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે NEET-UG 2024 પેપર લીકએ સિસ્ટેમેટિક નિષ્ફળતા નથી. કોર્ટે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી.






પેપર લીકનો મુદ્દો માત્ર પટના અને હજારીબાગ પૂરતો મર્યાદિત હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે. કોર્ટે કહ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પૂરતા પુરાવા નથી. 


સુપ્રીમ કોર્ટે આજે NEET પર પોતાનો વિગતવાર ચૂકાદો આપ્યો.કોર્ટ પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરી રહી છે. કોર્ટે પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પરીક્ષા માટે અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ દિશામાં અભ્યાસ કરીને પોતાના સૂચનો આપવા જોઈએ.






સુપ્રીમ કોર્ટે કમિટીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવા, પરીક્ષા કેન્દ્રોની સ્થાપનાની પ્રક્રિયામાં સુધારો કરવા, વિદ્યાર્થીઓના વેરિફિકેશનને મજબૂત કરવા અને સમગ્ર પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદ અંગે સૂચનો આપવા જણાવ્યું છે. સમિતિએ 30 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપવો જોઈએ. આ બધા સિવાય કમિટીએ પરીક્ષાના પેપરમાં છેડછાડ ન થાય તે માટેની વ્યવસ્થા સૂચવવી જોઈએ.


'સારી સિસ્ટમ બનાવવા પર પણ ધ્યાન આપો'


સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સમિતિને પરીક્ષા કેન્દ્રો પર વધુ સારી સીસીટીવી દેખરેખ અંગે સૂચનો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિરાકરણ માટે વધુ સારી સિસ્ટમ બનાવવા પર ધ્યાન આપવા પણ કહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, સમિતિનો અહેવાલ પ્રાપ્ત થયાના બે અઠવાડિયાની અંદર, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અહેવાલના આધારે લેવામાં આવતા પગલાં વિશે અમને જણાવવું જોઈએ.