Rahul Gandhi On Nehru Memorial Name Change: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે (17 ઓગસ્ટ) તેમણે કહ્યું હતું કે નેહરુની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી. રાહુલ ગાંધીએ આ નિવેદન લદ્દાખ પ્રવાસ માટે રવાના થતા પહેલા આપ્યું હતું.
સ્વતંત્રતા દિવસના અવસર પર નવી દિલ્હીમાં તીન મૂર્તિ પરિસર સ્થિત નહેરુ મેમોરિયલ મ્યૂઝિયમનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) રાખવામાં આવ્યું હતુ. આ સંબંધમાં 15 જૂન 2023ના રોજ રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ની પૂર્વ સંધ્યાએ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે રવાના થયા
રાહુલ ગાંધી બે દિવસ માટે લદ્દાખના પ્રવાસે રવાના થયા છે. તેઓ બપોરે એક વાગે લેહ પહોંચશે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર લદ્દાખના પ્રવાસમાં લેહ અને કારગીલ જશે. આ દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકીય કાર્યક્રમો સિવાય રાહુલ લદ્દાખમાં બાઇક ટ્રીપ પણ કરશે. રાહુલની ગેરહાજરીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે આજે યોજાનારી બિહાર પ્રદેશ કોંગ્રેસની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.
કારગિલ હિલ કાઉન્સિલ પર હોબાળો
રાહુલ ગાંધી પોતાના પ્રવાસમાં કારગીલની પણ મુલાકાત લેશે, જ્યાં આવતા મહિને હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે રાહુલની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ ત્યાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાવશે. કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.
સંસદમાં કહ્યુ હતુ કે જલદી લદ્દાખ જઇશ
જ્યારે રાહુલ ગાંધી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ત્યાર બાદ ભારત જોડો યાત્રાની વાત કરતાં તેમણે કાશ્મીર સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તો લદ્દાખના સાંસદે લદ્દાખ ન આવવાની વાત કરી હતી જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ત્યાં આવશે.