ડિજિટલ સુવિધા અને પ્રાઇવેસીની દિશામાં વધુ એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી છે. આ એપ યુઝર્સને તેમના આધાર વિગતો ડિજિટલી ચકાસવા અને શેર કરવાની મંજૂરી આપશે. આનાથી આધાર કાર્ડ રાખવાની કે તેની ફોટોકોપી સબમિટ કરવાની જરૂરિયાત દૂર થશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એપને સત્તાવાર રીતે રાષ્ટ્રીય રાજધાનીમાં લોન્ચ કરી હતી. ડિજિટલ ઇનોવેશનના મહત્વ પર પ્રકાશ પાડતા મંત્રીએ આ એપ્લિકેશનને આધાર ચકાસણીને સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા તરફના એક પગલા તરીકે વર્ણવી હતી.

વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે "નવી આધાર એપ, મોબાઈલ એપ મારફતે ફેસ આઈડી ઓથેન્ટિકેશન. કોઈ ફિઝિકલ કાર્ડ નહીં, કોઈ ફોટોકોપી નહીં,".

તેમણે કહ્યું કે આ એપ યુઝર્સને તેમની સંમતિથી સુરક્ષિત ડિજિટલ માધ્યમો દ્વારા ફક્ત જરૂરી ડેટા શેર કરવાનો અધિકાર આપે છે. "હવે ફક્ત એક જ ટેપથી યુઝર્સને ફક્ત તેમને જરૂરી ડેટા જ શેર કરી શકે છે, જેનાથી તેમને તેમની વ્યક્તિગત માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મળે છે. આ એપની એક ખાસ વિશેષતા ફેસ આઈડી ઓથેન્ટિકેશન છે, જે સુરક્ષા વધારે છે અને વેરિફિકેશનને સરળ બનાવે છે. આધાર વેરિફિકેશન હવે UPI પેમેન્ટની જેમ જ QR કોડ સ્કેન કરીને કરી શકાય છે.

મંત્રીએ એક્સ પર લખ્યું હતું કે "આધાર વેરિફિકેશન UPI પેમેન્ટ કરવા જેટલી સરળ બની ગઈ છે. યુઝર્સ હવે તેમની ગોપનીયતા સુનિશ્ચિત કરતી વખતે ડિજિટલી તેમની આધાર વિગતો ચકાસી અને શેર કરી શકે છે. આ નવી સિસ્ટમ સાથે લોકોને હવે હોટલ, દુકાનો, એરપોર્ટ અથવા અન્ય કોઈપણ વેરિફિકેશન બિંદુઓ પર તેમના આધાર કાર્ડની પ્રિન્ટેડ નકલો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "હોટલ રિસેપ્શન, દુકાનો પર કે મુસાફરી દરમિયાન આધારની ફોટોકોપી સબમિટ કરવાની કોઈ જરૂર નથી." આ એપ હાલમાં તેના બીટા પરીક્ષણ તબક્કામાં છે. તે મજબૂત ગોપનીયતા સુરક્ષા સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સુનિશ્ચિત કરે છે કે આધાર વિગતો સાથે છેડછાડ, એડિટ અથવા દુરુપયોગ થઈ શકશે નહીં. માહિતી સુરક્ષિત રીતે અને ફક્ત યુઝર્સની પરવાનગીથી શેર કરવામાં આવે છે.

આધારને અનેક સરકારી યોજનાઓનો "પાયો" ગણાવતા વૈષ્ણવે ભારતના ડિજિટલ ભવિષ્યને આકાર આપવામાં AI અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે હિતધારકોની પ્રાઇવેસીને કેન્દ્રમાં રાખીને વધુ વિકાસને આગળ વધારવા માટે એઆઇને DPI સાથે સંકલિત કરવાના રસ્તાઓ સૂચવવા આમંત્રણ આપ્યું હતું.