પંજાબ સહિત 5 રાજ્યોમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસેથી રાજીનામાં માંગ્યા હતા. ત્યાર બાદ પંજાબના પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ પણ રાજીનામું આપી દીધું હતું.


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આજે નવજોતસિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના નવા મુખ્યમંત્રી બનેલા ભગવંત માનની પ્રસંશા કરી છે. સિદ્ધુએ ટ્વીટર પર એક ટ્વીટ કરીને લખ્યું કે, "સૌથી ખુશનસીબ માણસ એ હોય છે જેની પાસેથી કોઈ આશા-અપેક્ષા નથી રાખતું. ભગવંત માને પંજાબમાં ઘણી બધી આશાઓ સાથે નવા માફિયા વિરોધી યુગની શરુઆત કરી છે. આશા છે કે તે ફરીથી લોકો માટેની યોજનાઓ સાથે પંજાબને પુનઃઉધ્ધાર પથ પર લાવશે."






આમ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસની પાસેથી સત્તા આંચકી લેનાર આમ આદમી પાર્ટીના નવા મુખ્યમંત્રી ભગવંત માનની પ્રસંશા કરી છે. આ પહેલાં ગઈકાલે સિદ્ધુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનો ફોટો ટ્વીટ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, સિદ્ધુએ કરેલા ટ્વીટમાં જે લેટરનો ફોટો શેર કર્યો હતો તેમાં ફક્ત એક લાઈનમાં જ રાજીનામું લખવામાં આવ્યું હતું. "કોંગ્રેસ પક્ષના પ્રમુખની ઈચ્છા અનુસાર હું મારું રાજીનામું આપું છું." હવે નવજોતસિંહ સિદ્ધુએ આપના મુખ્યમંત્રીની પ્રસંશા કરીને કોંગ્રેસને મૂંજવણમાં મુકી દીધી છે. 






ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 2017ની ચૂંટણીમાં બહુમતી સાથે 77 સીટો જીતીને સરકાર બનાવનાર કોંગ્રેસ પક્ષ 2022ની ચૂંટણીમાં ફકત 18 સીટો પર સમેટાઈ ગઈ હતી. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો પર જંગી જીત મેળવીને પંજાબમાં પોતાની સરકાર બનાવી છે.