New Delhi railway accident: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભારે ભીડના કારણે અનેક મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. પ્લેટફોર્મ નંબર 13-14 પર એટલી ભીડ હતી કે ગૂંગળામણના કારણે ચાર લોકો બેભાન થઈ ગયા હતા.


પ્રાપ્ત માહિતી અનુસાર, નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13 પર પ્રયાગરાજ મહાકુંભ સ્પેશિયલ ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્લેટફોર્મ પર અતિશય ભીડ થવાના કારણે ગૂંગળામણની સ્થિતિ પેદા થઈ હતી અને ભીડમાં ફસાયેલા કેટલાક લોકો ગભરાઈને બેહોશ થવા લાગ્યા હતા. જેના પગલે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


જો કે, દિલ્હી પોલીસની રેલ્વે યુનિટ દ્વારા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની નાસભાગની ઘટનાને નકારી કાઢવામાં આવી છે. રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ ભીડના કારણે સર્જાઈ હતી, નાસભાગને કારણે નહીં. બેભાન થયેલી ચાર મહિલાઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.






રેલ્વે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહાકુંભમાં જવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિલ્હી સ્ટેશન પર એકઠા થયા હતા. કુંભમાં ભીડ ઓછી હોવાના સમાચાર મળતા, વધુ લોકો એક સાથે સ્નાન માટે રવાના થતાં સ્ટેશન પર અસાધારણ ભીડ જામી હતી.


સમાચાર એજન્સી એએનઆઈએ ઘટનાસ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો કર્યો છે. એએનઆઈના અહેવાલ મુજબ, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ફાયર બ્રિગેડને પણ સ્ટેશન પર બોલાવવામાં આવી હતી. આ ઘટનાએ રેલવે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનના મુદ્દાને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યો છે, ખાસ કરીને તહેવારો અને મોટા આયોજનો દરમિયાન સુરક્ષા અને સુવિધાઓ જાળવવી કેટલી મહત્વપૂર્ણ છે તે દર્શાવે છે.


સામાન્ય રીતે શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે છે. આવી સ્થિતિમાં, સ્થાનિક મેળા વહીવટીતંત્રે પણ કેટલાક સુરક્ષા પગલાં લીધા છે. ભીડને જોતા મહાકુંભને ફરી એકવાર નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ પછી મહાકુંભમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હવે મેળામાં માત્ર ઈમરજન્સી વાહનો જ પ્રવેશી શકશે. મેળાના અધિકારીના જણાવ્યા મુજબ, મહાકુંભ નગરમાં શનિવાર, 15 ફેબ્રુઆરી અને રવિવાર, 16 ફેબ્રુઆરીએ તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો...


કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર: ગુજરાતના બે વરિષ્ઠ નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરાયા