Twitter Moves High Court: કેન્દ્ર સરકારે ટ્વિટરને આપેલા કેટલાક આદેશોની વિરુદ્ધમાં હવે ટ્વિટર કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યું છે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે ટ્વિટરને તેના કંટેટ (વિષય વસ્તુ) અંગે આપેલા આદેશ આપ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આ આદેશોને પરત લેવા માટે ટ્વિટરે માંગ કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે, અધિકારીઓ તરફથી સત્તાનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ ટ્વિટરે લગાવ્યો છે.


આ પહેલાં સોમવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્વિટરે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા 27 જૂને જાહેર કરાયેલી અંતિમ નોટિસનું પાલન કરી લીધું છે. મંત્રાલયે ટ્વિટર માટે આ નોટીસનું પાલન કરવાની સમય સીમા 4 જુલાઈ સુધી નક્કી કરી હતી. જો ટ્વિટર આ મંત્રાલયની આ નોટિસનું પાલન ના કરે તો, ટ્વિટર તેનો મધ્યવર્તી (માધ્યમ) હોવાનો દરજ્જો ગુમાવી દેત. મધ્યવર્તી હોવાનો દરજ્જો ગુમાવવાનો અર્થ એવો થાય કે, ટ્વિટર પર કરવામાં આવતાં તમામ ટ્વિટ અને ટિપ્પણીઓ માટે ટ્વિટર સીધું જવાબદાર બની જાય છે. માધ્યમનો દરજ્જો ધરાવનાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમના યુઝર દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ માટે સીધું જવાબદાર રહેતું નથી. 


એક અન્ય સત્તાવાર સૂત્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને કેટલાક ટ્વીટ અને ટ્વિટર એકાઉન્ટ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ટ્વિટર કંપનીએ આ આદેશનું પુરું પાલન નહોતું કર્યું ત્યારે હવે ટ્વિટરે કર્ણાટક હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 




આ બધાની વચ્ચે કેન્દ્રીય સૂચના અને પ્રોધ્યોગિકી (આઈટી) મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કોઈ પણ કંપની હોય, કોઈ પણ વિસ્તારમાં હોય તેમણે ભારતના કાયદાનું પાલન કરવું જોઈએ. આ બધાની જવાબદારી છે કે, દેશની સંસદે પાસ કરેલા કાયદાનું બધાએ પાલન કરે.