નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળ આવતાં ધ પેટ્રોલિયમ કન્સર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA)એ ઘરેલુ પીએનજી ગ્રાહકો માટે નવો ગેસ સ્ટવ વિકસાવ્યો છ. જેનાથી મહિનાના બિલમાં 25 ટકા જેટલો ઘટાડો થશે. પીસીઆરએ દ્વારા આ માટે એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિડેટ (EESL) સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ઈઈએસએલ 10 લાખ ગેસ સ્ટવ દેશભરમાં આપશે.


એમઓયુ મુજબ, ઈઈએલએસ પીએનજી ગેસ સ્ટવ ગ્રાહકોને પોસાય તેવા ભાવે આપશે. અધિકારીઓના કહેવા મુજબ પીએનજી ગેસ સ્ટવમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર પણ વાપરી શકશે. આમ થવાથી પીએનજીની થર્મલ એફિશિયન્સી 40 ટકા ઘટશે. જેનું કેટલુંક નુકસાન પણ છે. તેનાથી ગેસનો વપરાશ વધુ થાય છે અને આઈએસઆઈ સ્ટાન્ડર્ડ સ્ટવ સાથે ચેડા કરવાથી તેની સલામતી પર પણ પ્રશ્ન ઉભો થાય છે.


કેટલી થશે બચત


એસોસિએશને કહ્યું હતું કે એક અંદાજ મુજબ જો હાલના તમામ પીએનજી ગ્રાહકો નવા ગેસ સ્ટવ તરફ સ્થળાંતર કરશે તો વાર્ષિક રૂ. 3901 કરોડના પાઇપ નેચરલ ગેસની બચત થશે. એક સામાન્ય ગ્રાહક લગભગ રૂ. 100 - 150 ની બચત કરશે. તે કાર્બનડાયોકસાઈડના ઉત્સર્જનમાં પણ 11 મિલિયન ટનનો ઘટાડો થશે.


કોણે બનાવ્યો છે આ સ્ટવ


પીસીઆરએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો, નિરંજનકુમાર સિંહે કહ્યું, આપણે તેનાથી ન માત્ર ગ્રીન અને સ્વચ્છ સ્ત્રોત તરફ વળીશું પરંતુ તેનો ઉપયોગ સુરક્ષિત અને અસરકારક રીતે કરીશું. ભારતીય પેટ્રોલિયમ, દહેરાદૂન દ્વારા વિકસિત પીએનજી ગેસ સ્ટવ, થર્મલ અસરકારક અને સલામત છે. તે હવે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને સ્થાનિક બજારોમાં ઉપલબ્ધ છે. પાઇપ ગેસ ગ્રાહકોને વિવિધ યોજનાઓ અને ઓફર્સ દ્વારા નવા પીએનજી ગેસ સ્ટવ ઉપલબ્ધ કરાવવા માટે અમે ઇપીએસએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.


હાલ કેટલા પીએનજી ગ્રાહકો છે


પીસીઆરએના કહેવા મુજબ હાલ દેશમાં 74 લાખ પીએનજી ગ્રાહકો છે અને દર મહિને 80 હજાર નવા ગ્રાહકો ઉમેરાય છે.