Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ NIA ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ''Huawei સેટેલાઇટ ફોન' ની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતો. વાસ્તવમાં Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ પ્રોડક્ટ ભારતમાં પ્રતિબંધિત છે. એવી શંકા છે કે આ ફોન પાકિસ્તાન અથવા અન્ય કોઈ વિદેશી સ્ત્રોતથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે હુમલો કરનારા આતંકવાદીઓનો ચાર વખત સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે હુમલો કરનાર ડ્રોનનો ઉપયોગ થઈ શક્યો નહીં. સૂત્રો એમ પણ કહે છે કે હુમલા પહેલા અને દરમિયાન ઓછામાં ઓછા 10 લોકો એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા તેમના હેન્ડલર્સને ચેટ કરી રહ્યા હતા અને ફોન કરી રહ્યા હતા.

પહલગામ આતંકવાદી હુમલાની તપાસ NIAએ સંભાળી

NIA એ પહલગામ આતંકવાદી હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી છે. અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે એનઆઈએના પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ રચાયેલી એક ટીમે જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની ટીમો આતંકવાદીઓ વિશે સુરાગ મેળવવા માટે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ સઘન તપાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં થયેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંના એકને કારણે બનેલી ઘટનાઓનો ક્રમ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી આ ટીમો આ ભયાનક હુમલા તરફ દોરી જતા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા એકત્રિત કરવા માટે સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. આ પછી ભારતીય સેના એકશનમાં છે. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઘણા કડક પગલાં લીધાં છે. ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની ગતિવિધિઓ અટકી રહી નથી. પાકિસ્તાની સેનાએ પૂંછ અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેણે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ચોથી રાત માટે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.