Sahil-Nikki Got Married In 2020: દિલ્હીમાં નિક્કી યાદવ મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી સાહિલ ગેહલોત ઉપરાંત પોલીસે અત્યાર સુધીમાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસે આ મામલામાં નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી સાહિલે વર્ષ 2020માં જ નિક્કી સાથે લગ્ન કરી લીધા હતા. દિલ્હી પોલીસને હવે સાહિલ અને નિકીના લગ્નનું પ્રમાણપત્ર હાથ લાગ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2020ના રોજ સાહિલે નોઈડાના ડેલ્ટા 1 સ્થિત આર્ય સમાજ મંદિરમાં નિક્કી પાસેથી સાત ફેરા લીધા હતા અને લગ્ન કરી લીધા હતા. આર્ય સમાજ મંદિરના પ્રમુખે જણાવ્યું હતું કે, મેં તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો લીધા હતા અને લગ્ન સાક્ષીઓની હાજરીમાં થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને ગ્રેટર નોઈડાની એક કોલેજમાં ભણ્યા હતા અને ત્યાં જ રહેતા હતા. મળતી માહિતી મુજબ સાહિલના આ નિર્ણયથી તેનો પરિવાર નાખુશ હતો. સાહિલના પરિવારે તેના લગ્ન 2 વર્ષ પછી 2022માં બીજે ક્યાંક નક્કી કર્યા હતા. પોલીસે કહ્યું હતું કે, જ્યારે સાહિલના લગ્ન નક્કી હતા ત્યારે તેના પરિવારે તેના લગ્નની વાત તેમનાથી છુપાવી હતી.
નિક્કીના પિતા તેના લગ્ન વિશે અજાણ હતા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ એક સનસની ખુલાસો કર્યો છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, સાહિલના પિતા વીરેન્દ્રને ખબર હતી કે તેમના પુત્રએ નિકીની હત્યા કરી નાખી છે. જેના કારણે દિલ્હી પોલીસે સાહિલના પિતાની પણ ધરપકડ કરી છે. નિક્કીના પિતા દિલ્હી પોલીસની તપાસથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી તે ખુશ છે. તેમણે કહ્યું હતું કે, દિકરી નિક્કીએ સાહિલ સાથે છાનામાના લગ્ન કરી લીધા હોવાની વાતથી હું સંપૂર્ણપણે અજાણ હતો.
મોબાઈલ ડેટા કેબલ વડે કરી હતી હત્યા
પોલીસે જણાવ્યું હતું કે, નિક્કી 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાડાના મકાનમાં આવી હતી. જ્યાં થોડા સમય બાદ સાહિલ અને તેની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે સાહિલે તેની હત્યા કરી હતી. સાહિલે નિકીને મારવા માટે મોબાઈલ ફોનના ડેટા કેબલનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હત્યા બાદ સાહિલ નિક્કીના મૃતદેહનો નિકાલ કરવા માટે હિલ સ્ટેશન જવાની યોજના બનાવી રહ્યો હતો.