બિહારઃ ગોપાલગંજ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 9 લોકોના મોત થઈ ગયા છે અને સાત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડો. નવલ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 






બિહારમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પીવાને કારણે કેટલાક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગોપાલગંજ જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે અને 9 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. ઝેરી દારૂ પીવાને કારણે ત્રણ લોકોની આંખોની રોશની જતી રહી હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. ગોપાલગંજમાં દારૂ પીવાથી તબિયત બગડનારાઓની મોતીહારી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તમામ મૃતકો કુશહર, મોહમ્મદપુર, મંગોલપુર, બુચેઆ, છપરા અને રસૌલી ગામના રહેવાસી હતા. તમામે મંગળવારે દારૂ પીધો હતો. એ પછી તેની તબિયત બગડવા લાગી હતી.

ગ્રામજનો પ્રમાણે, બુધવારે સાંજ સુધી આઠ લોકોના મોત થયા હતા. મોતીહારી અને ગોપાલગંજ હોસ્પિટલમાં દાખલ વધુ પાંચ લોકોના ગુરુવારે સવાર સુધી મોત થયા હતા. અહેવાલો પ્રમાણે મૃત્યુઆંક વધીને 13 બતાવાઈ રહ્યો છે. જોકે વહીવટીતંત્રે ગુરુવારે સવાર સુધી મૃત્યુઆંકમાં વધારો થયો છે તે બાબત નકારી કાઢી હતી. તેમજ આજે જિલ્લા કલેક્ટરે આઠ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોએ બુધવારે સાંજે ગામમાં દેશી ચુલ્હાઈ દારૂ પીધો હતો. તબિયત લથડતાં મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી 8 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.