કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેને ફગાવી દીધી હતી. અરજીને ફગાવ્યા બાદ નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, આ ખૂબ સારી વાત છે. મુકેશ સિંહે બે દિવસ અગાઉ જ દયા અરજી કરી હતી.
દિલ્હીની એક કોર્ટે સાત જાન્યુઆરીના રોજ ડેથ વોરંટ જાહેર કરતા કહ્યુ હતું કે, ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે.
જોકે, ગઇકાલે દિલ્હી સરકારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું હતું કે દોષિતોને ફાંસી આપવામાં આવી શકશે નહી કારણ કે દોષિત મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ‘ગૃહ મંત્રાલયે મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. મંત્રાલયે અરજીને ફગાવી દેવાની દિલ્હીના ઉપ રાજ્યપાલની ભલામણને યથાવત રાખી હતી.’ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનને મોકલેલ પોતાની ભલામણમાં કહ્યું હતું કે, મુકેશની ફાંસીની સજા યથાવત રાખવામાં આવે છે