નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ 2024-25 રજૂ કર્યું. બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીના સૌથી ટૂંકા બજેટ ભાષણમાં નાણામંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે આગામી સમયમાં રૂફટોપ સોલારાઇઝેશનથી એક કરોડ પરિવારોને ફાયદો થશે. આનાથી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. તેમણે કહ્યું કે આ યોજના અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહના ઐતિહાસિક દિવસે વડાપ્રધાન મોદીના સંકલ્પને દર્શાવે છે.


વડાપ્રધાન મોદીએ અયોધ્યાથી પરત ફર્યા બાદ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોદી સરકારનો આ પહેલો મોટો નિર્ણય હતો. 'X' પર તસવીરો શેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.






58 મિનિટના બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે રૂફટોપ સોલારાઇઝેશનથી 15,000 થી 18,000 રૂપિયાની બચત થઈ શકે છે. નોંધનીય છે કે આ કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ છે અને લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. નાણામંત્રીએ કહ્યું કે જુલાઈમાં સંપૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ રજૂ કરશે.  


નાણામંત્રીના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે વિકાસ કાર્યક્રમોમાં રેકોર્ડ સમયમાં બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે વીજળી, બધા માટે રાંધણગેસ અને બધા માટે બેંક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે. નાણાકીય સેવાઓ દ્વારા દરેક ઘર અને વ્યક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.