Seatbelt New Rule: કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી(Nitin gadkari )એ સીટ બેલ્ટ(Seatbelt)ને લઈને વધુ એક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો પડશે એટલે કે હવે કારની પાછળની સીટ પર બેઠેલા લોકોએ પણ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સૌથી વધુ સંખ્યા 18-34 વર્ષની વય જૂથમાં છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ઘટાડો એ એકમાત્ર એવું ક્ષેત્ર છે જ્યાં મને છેલ્લા 8 વર્ષમાં સફળતા મળી નથી. તેમણે કહ્યું કે આગામી ત્રણ દિવસમાં અમે કહીશું કે જો કારની પાછળની સીટ પર બેઠેલા કોઈ વ્યક્તિ સીટ બેલ્ટ નહીં બાંધે તો તેને સજા કરવામાં આવશે.


સીટબેલ્ટ ન પહેરવા પર દંડ થશેઃ નીતિન ગડકરી


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સાયરસ મિસ્ત્રીના અકસ્માતને કારણે મેં નક્કી કર્યું છે કે પાછળની સીટમાં સીટ બેલ્ટ માટે એલાર્મ હશે જેમ ડ્રાઈવર સીટ માટે છે. કારમાં પાછળની સીટ પર સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવશે.


ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ ઝડપી વાહનો પર નજર રાખવા અને પાછળ બેઠેલા મુસાફરો માટે સીટ બેલ્ટનો ઉપયોગ ફરજિયાત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે કોઈ પણ અકસ્માત ન થાય તે માટે રસ્તાઓ તે પ્રમાણે ડિઝાઇન કરવા જોઈએ.


 ડ્રાઈવરની પાછલી સીટ પર બેઠેલો યાત્રિક સીટ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે. પાછળની સીટમાં બેલ્ટ લગાડવા માટે ક્લિપની વ્યવસ્થા હશે. એવી પણ માહિતી મળી રહી છે કે સીટ પર બેઠેલી વ્યક્તિ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો આલાર્મ વાગતો રહેશે.