bihar cm resigns: બિહારમાં નવી સરકારની રચનાનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. બુધવારે (19 November) નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સમક્ષ NDA ના તમામ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કરી નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. આ પહેલાં યોજાયેલી NDA ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે આવતીકાલે એટલે કે 20 November ના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં તેઓ રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
રાજભવનમાં શું થયું?
બુધવારે પટણામાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ રહી હતી. NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ કુમાર સીધા રાજભવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાજ્યપાલને મળીને વર્તમાન સરકારનું રાજીનામું સોંપ્યું હતું અને સાથે જ નવી સરકાર રચવા માટે જરૂરી બહુમતી હોવાનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. રાજ્યપાલે તેમનો દાવો સ્વીકારીને તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે.
ભાજપે નીતિશના નામનો પ્રસ્તાવ મૂક્યો
NDA ની મહત્વની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ઘટક પક્ષોએ એકસૂરે વધાવી લીધો હતો. આ સાથે જ મંત્રીમંડળનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નવી સરકારમાં પણ નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે યથાવત રહેશે. સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિધાનસભા સ્પીકરનું મહત્વનું પદ આ વખતે ભાજપના ફાળે જઈ શકે છે.
ગાંધી મેદાનમાં ઐતિહાસિક શપથવિધિ
નીતિશ કુમાર માટે આ એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે તેઓ 10મી વખત બિહારના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. 20 November ના રોજ યોજાનારા આ ભવ્ય સમારોહ માટે પટણાના ગાંધી મેદાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDA ના દિગ્ગજ નેતાઓ આ પ્રસંગે હાજરી આપે તેવી શક્યતા છે. અગાઉ મંગળવારે (18 November) નીતિશ કુમારે જાતે ગાંધી મેદાન જઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
ચૂંટણી પરિણામો પર એક નજર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. ગઠબંધને કુલ 202 બેઠકો કબજે કરી છે. જેમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે નીતિશ કુમારની JDU 85 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત, ચિરાગ પાસવાનની પાર્ટી LJP (રામવિલાસ) એ 19 બેઠકો, જીતન રામ માંઝીની 'હમ' પાર્ટીએ 5 અને ઉપેન્દ્ર કુશવાહાની RLM એ 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. સામે પક્ષે મહાગઠબંધન માત્ર 35 બેઠકોમાં સમેટાઈ ગયું છે.