છેલ્લા બે દાયકાથી બિહારના રાજકારણમાં સૌથી અગ્રણી વ્યક્તિ નીતિશ કુમાર ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ એનડીએ ગઠબંધને રાજ્યના ટોચના પદ માટે નીતિશ કુમારની પસંદગી કરી છે. મંગળવારે NDA ધારાસભ્યોની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બિહારની 243 બેઠકોમાંથી 202 બેઠકો જીતનારા આ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટીના 89 અને જનતા દળ (યુનાઇટેડ) ના 85 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના 19 ધારાસભ્યો, હિન્દુસ્તાન આવામી મોરચા (સેક્યુલર) ના પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચાના ચાર ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

Continues below advertisement

જ્યારે નીતિશ પહેલી વાર મુખ્યમંત્રી બન્યા...

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશનો આ દસમો કાર્યકાળ હશે. તેમણે પહેલી વાર 2000માં શપથ લીધા હતા. તે સમયે તેઓ સમતા પાર્ટીનો ભાગ હતા. તેમનો કાર્યકાળ ફક્ત સાત દિવસ ચાલ્યો કારણ કે સરકાર સત્તામાં રહેવા માટે પૂરતું સંખ્યાબળ મેળવવામાં નિષ્ફળ રહી હતી. વર્ષ 2005માં નીતિશ કુમાર ભાજપ સાથે ગઠબંધન કરીને સત્તામાં આવ્યા, જેમાં તેમને સંપૂર્ણ બહુમતી મળી હતી. 2010માં ગઠબંધને વધુ મજબૂત જનાદેશ સાથે સત્તા જાળવી રાખી, નીતિશને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

Continues below advertisement

ભાજપ સાથેના સંબંધો તૂટ્યા...

2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી નીતિશ કુમારે ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા પરંતુ હરીફ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના બહારના સમર્થનથી સત્તામાં રહ્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એકલી ચૂંટણી લડી અને હારી ગઈ. આ હારની નૈતિક જવાબદારી લેતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને તેમના તત્કાલીન પક્ષના સાથી જીતન રામ માંઝીને સત્તાની કમાન સોંપી હતી. 

મુખ્યમંત્રી તરીકે માંઝીનો કાર્યકાળ ફક્ત એક વર્ષ ચાલ્યો કારણ કે 2015ની ચૂંટણી પહેલા નીતિશ કુમાર સત્તામાં પાછા ફર્યા, આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન બનાવ્યું. ગઠબંધન ચૂંટણી જીતી ગયું અને નીતિશે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ભાજપ ફરીથી ગઠબંધન 

2017માં નીતિશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેમની સરકાર ભંગ કરી હતી. થોડા સમય પછી તેમણે ભાજપ સાથે જોડાણ કરીને ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2020માં NDAને સરળ બહુમતી મળી. જોકે JD(U) ની બેઠકો ઘટીને 43 થઈ ગઈ અને ભાજપની બેઠકો વધીને 74 થઈ ગઈ, ગઠબંધને ચૂંટણી પછી નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. 

2022માં નીતિશ કુમારે ફરીથી સરકાર ભંગ કરી અને ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા અને RJD અને કોંગ્રેસ સાથે ફરીથી જોડાણ બનાવ્યું. થોડા સમય પછી તેમણે તેમના ભૂતપૂર્વ હરીફોના સમર્થનથી ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સરકાર માંડ 17 મહિના ચાલી કારણ કે નીતિશ કુમારે 2024ની શરૂઆતમાં ફરીથી મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા અને ભાજપ સાથે ફરીથી ગઠબંધન કર્યું. ત્યારબાદ તેમણે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા 74 વર્ષીય નીતિશ કુમારની ટિકા કરવામાં આવી. તેમના ભૂતપૂર્વ સાથી અને હવે હરીફ પ્રશાંત કિશોરે આગાહી કરી હતી કે JD(U) 25થી ઓછી બેઠકો પર સમેટાઈ જશે. જોકે, ચૂંટણી વિશ્લેષકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે નીતિશની પાર્ટીએ 85 બેઠકો જીતી, જે 2020 માં જીતેલી 43 બેઠકો કરતા લગભગ બમણી હતી.