મુંબઇઃ મહારાષ્ટ્ર સરકાર તરફથી મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાના એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના નિવેદન બાદ વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ કહ્યુ હતું કે અત્યાર સુધી આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. શહેરી વિકાસ મંત્રી અને વરિષ્ઠ શિવસેના નેતા શિંદેએ કહ્યુ કે, સરકારના સાથી પક્ષોના નેતા ચર્ચા કર્યા બાદ આ મુદ્દા પર કોઇ નિર્ણય કરશે.

આ અગાઉ લઘુમતિ મામલાના મંત્રી મલિકે વિધાન પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાનો પ્રસ્તાવ કર્યો છે. શિંદેએ વિધાનસભા બહાર પત્રકારોને કહ્યું કે, તેમની જાહેરાતની કોઇ જાણકારી નથી. સરકાર અને સરકારના સાથી પક્ષોના નેતા કોઇ પણ સમુદાયના લોકોને અનામત આપવા અંગેના નીતિગત નિર્ણયો પર વિચાર કરશે. મુખ્યમંત્રી ઠાકરે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેશે. હજુ સુધી આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અગાઉ એવા રિપોર્ટ હતા કે મહારાષ્ટ્રમાં વિધાનસભા બજેટ સત્ર ખત્મ થયા અગાઉ મુસ્લિમોને શિક્ષણમાં પાંચ ટકા અનામત આપવાની વાત કરવામાં આવી રહી હતી. છેલ્લી સરકારમાં કોર્ટના ચુકાદો છતાં ભાજપ વટહુકમ લાવી નહોતી.