એક અંગ્રેજી અખબારના મતે હેમરાજની પત્ની ધર્મવતીએ કહ્યું કે જ્યારે આ મુદ્દાને લઈને રાજનીતિ થાય છે ત્યારે દુ:ખ થાય છે. કોઈને પણ શહીદના પરીવારજનો પર શું વીતતી હશે તેનો અહેસાસ નથી હોતો. બસ આવા પ્રકારની રાજનીતિ સેનાનું મનોબળ તોડી નાંખે છે. આપ અને કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા પર શહીદની પત્નીએ કહ્યું કે, પુરાવા માંગવાના બદલે તેવા લોકોએ સેનાની ભૂમિકાની પ્રશંસા કરવી જોઈએ. કેજરીવાલ પર નિશાન સાંધતા તેમને કહ્યું કે, તે દિલ્લીમાં સરકાર ચલાવી રહ્યા છે કે રાજનીતિ કરી રહ્યા છે?
ધર્મવતીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા વાળા નેતાઓ પર નિશાન સાંધતા કહ્યું કે, જો તેમને પ્રુફ જોવું હોય તો તેમને પાકિસ્તાન જવું જોઈએ અને ત્યાં રાજનીતિ કરવી જોઈએ. તે સેના વિરુદ્ધ આ પ્રકારની વાત ન કરી શકે. આવા લોકોને દેશ છોડી દેવો જોઈએ. તેમને કહ્યું કે, ભારતીય સૈનિકોના મોતનો બદલો જેવી રીતે લીધો તેનાથી મને ખુશી થઈ છે. રાહુલ ગાંધી પર હુમલો કરતા ધર્મવતીએ કહ્યુ કે હવે મારા પતિની હત્યા થઈ તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને તે વખતે અમારા ખબર અંતર પુછવા કોઈ આવ્યું નહોતું. મને ખુશી છે કે વર્તમાન સરકાર સૈનિકોના મોતનો બદલો લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાએ સીમા પાર સર્જિકલ સ્ટ્રાઈક કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પુરાવા રજૂ કરવાની માંગ કરી હતી. જ્યારે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર શહીદોના લોહીની દલાલી કરવાનો આરોપ લગાવ્યો હતો.