Arvind Kejriwal News: સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર જલદી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.


દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નહોતી. સોમવારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે EDને 24 એપ્રિલ પહેલા જવાબ આપવા કહ્યું છે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે મુક્તિની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 29 એપ્રિલ સુધી મુલતવી રાખી અને EDને નોટિસ જાહેર  કરીને જવાબ આપવા કહ્યું.






આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી કોર્ટમાં હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ ચૂંટણીને ટાંકીને શુક્રવારે સુનાવણીની માંગણી કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે આટલી ઝડપી સુનાવણી શક્ય નથી. તેમજ કોર્ટે EDને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. કેજરીવાલ 27 એપ્રિલ સુધીમાં કેન્દ્રીય તપાસ એજન્સીના જવાબ પર પોતાનો જવાબ દાખલ કરશે.






સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે અરવિંદ કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. કેસની સુનાવણી દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલના વકીલો સુપ્રીમ કોર્ટમાં દલીલો આપી રહ્યા હતા ત્યારે કોર્ટે કહ્યું હતું કે તેઓ સુનાવણી દરમિયાન તેમની દલીલોને ચર્ચા માટે સાચવીને રાખે. નોંધનીય છે કે કેજરીવાલે ED દ્વારા તેમની ધરપકડ અને નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી કસ્ટડીને પડકારી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી.


આ પહેલા દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા નિયમો અનુસાર ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને  મોટો ફટકો આપતા હાઇકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને કાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે તેમણે વારંવારના સમન્સ છતાં તપાસમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો જેથી ED પાસે 'થોડા વિકલ્પ' બચ્યા હતા.