છત્તીસગઢ હાઈકોર્ટે મહિલા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે કોઈપણ મહિલાને વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે મજબૂર કરી શકાય નહીં. આમ કરવું એ બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. આ નિર્ણય જસ્ટિસ અરવિંદ કુમાર વર્માએ એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો છે. તે વ્યક્તિએ તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. તે સાબિત કરવા માંગતો હતો કે તેની પત્નીનું કોઈ બીજા સાથે અફેર હતું.
કોર્ટે શું નિર્ણય આપ્યો?
કોર્ટે કહ્યું કે વર્જિનિટી ટેસ્ટની મંજૂરી આપવી એ મહિલાના મૂળભૂત અધિકારો, કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને તેના વ્યક્તિગત ગૌરવની વિરુદ્ધ હશે. ન્યાયાધીશ અરવિંદ કુમાર વર્માએ વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અરજીના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.
તે વ્યક્તિનું કહેવું હતું કે તે તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવા માંગતો હતો કારણ કે તે સાબિત કરવા માંગતો હતો કે તેની પત્નીનું કોઈ સાથે અફેર છે.
આ વ્યક્તિએ 15 ઓક્ટોબર, 2024ના રોજ ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ નપુંસક છે અને તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કરે છે. કોર્ટે તે વ્યક્તિને કહ્યું કે તે પોતાની નપુંસકતાના આરોપને ખોટો સાબિત કરવા માટે મેડિકલ ટેસ્ટ કરાવી શકે છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે જો અરજદાર નપુંસકતાના આરોપો પાયાવિહોણા સાબિત કરવા માંગે છે તો તે સંબંધિત મેડિકલ ટેસ્ટ કરાવી શકે છે અથવા અન્ય કોઈ પુરાવા રજૂ કરી શકે છે.
9 જાન્યુઆરીના રોજ પસાર થયેલા અને તાજેતરમાં ઉપલબ્ધ કરાયેલા હાઇકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “તેને તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની અને તેમના પુરાવામાં રહેલી ખામીઓ રજૂ કરવાની મંજૂરી આપી શકાતી નથી.
શું છે કેસ?
આ દંપતીએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. પત્નીએ તેના પરિવારના સભ્યોને કહ્યું હતું કે તેનો પતિ નપુંસક છે, અને તેણે વૈવાહિક સંબંધો બાંધવાનો ઇનકાર કર્યો હતો. તેણીએ તેના પતિ પાસેથી 20,000 રૂપિયા ભરણપોષણની માંગ કરી હતી. અરજદારે જવાબ આપ્યો અને પછી તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો કે તેણીએ તેના દિયર સાથે અવૈધ સંબંધ બાંધ્યા છે.