Noida District Jail : ભારતમાં અનેક જેલકાંડ સામે આવતા રહે છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની જેલમાં જ એસોઆરામની ઘટના ચર્ચાના ચકડોળે ચડી છે ત્યાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની જેલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં જેલમાં બંધ સંખ્યાબંધ કેદીઓ HIV ગ્રસ્ત બનતા જેલ પ્રસાશનમાં દોડધામ મચી જવા પામી છે.
જેલના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, જેલમાં મેડિકલ કેમ્પ આયોજીત કરીને તપાસ હાથ ધરાતા આ વાત સામે આવી છે. જેમાં તમામ કેદીઓના તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 26 કેદીઓ એચઆઈવીથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. જેની જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે.
જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ તમામ કેદીઓની સારવાર જિલ્લા હોસ્પિટલ, સેક્ટર-30ના એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે. આ અંગે દરેકને જાણ કરવામાં આવી છે.
ગાઝિયાબાદમાંથી પણ સામે આવેલી આવી ઘટના
નોઈડા અગાઉ ગાઝિયાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ જેલ કેદીઓની તપાસ કરવામાં આવી તો 140 કેદીઓ એચઆઈવીથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. ડાસના જેલના સુપ્રિટેન્ડેન્ટે આ માહિતી આપી હતી. જોકે તેમણે કહ્યું હતું કે, આ એક રૂટિન ચેકઅપ છે, ગભરાવાની જરૂર નથી. કેદીઓ સામાન્ય રીતે ઇન્જેક્શન લેવા માટે ટેવાયેલા હોય છે, તેથી જ તેમને HIV સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે.
આ જેલમાં ટીબીના ઘણા દર્દીઓ પણ જોવા મળ્યા હતા. ડાસના જેલમાં 5 હજારથી વધુ કેદીઓ કેદ છે. જેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવે છે અને કોઈપણ રોગ જણાય ત્યારે તેની સારવાર શરૂ કરવામાં આવે છે. આવા કેદીઓને અલગ રાખવામાં આવે છે.
સત્યેન્દ્ર જૈન વીડિયો વિવાદ
સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જેલમાં જ રહીને બિંદાસ્ત બની હોટલનું ખાવાનું ખાઈ રહ્યાં હોવાનું દેખાઈ આવે છે. ભાજપે આ વીડિયો જાહેર કરતા કહ્યું હતું કે, આ જેલ નહીં પણ કોઈ રિસોર્ટ હોય તેવું પ્રતિત થાય છે. આ વીડિયોએ સત્યેન્દ્ર જૈનના એ દાવાની પોલ ખોલી નાખી છે જેમાં તેમણે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે જેલમાં તેમને યોગ્ય જમવાનું નથી આપવામાં આવી રહ્યું.